દાહોદઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે લાગેલા લોકડાઉનનો જિલ્લામાં કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો હોવા છતાં કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરતા હોવાનું પોલીસને ધ્યાને આવતા આવા લોકો સામે પોલીસે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી જાહેરનામા ભંગના 1600થી વધુ કેસ કર્યા છે. હજુ પણ કડક રીતે તેનો અમલ કરવામાં આવશે એવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.
કોરોના વાઈરસ મહામારીમાં નાગરિકોને બચાવવા માટે સરકાર દ્વારા લોકડાઉનના બીજા તબક્કામા તંત્ર દ્વારા કડક અમલીકરણ કરાવામાં આવી રહ્યું છે. તેમ છતાં જીલ્લામાં કેટલાક નાગરિકો દ્વારા વિવિધ કારણોસર જાહેરનામાના ઉલ્લંઘન સાથે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. આવા તત્વો સામે પોલીસ કાર્યવાહી પણ કડક રીતે કરવામાં આવી રહી છે. આ સંદર્ભે જીલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જોયસરે કહ્યું છે કે, કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે જીલ્લામાં લોકડાઉનનો અમલ ચાલુ જ છે.
દાહોદ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જાહેરનામાના ભંગના 1600થી વધુ કેસ કર્યા છે. 17 કેસ ડ્રોન સર્વેલન્સ, 20 કેસ સીસીટીવી દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટોમેટિક નંબર પ્લેટ રિડિંગ (એએનપીઆર)ના આધારે 10 કેસ કરવામાં આવ્યા છે. હવે, રાજ્ય પોલિસ વડા દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, સ્વાસ્થય કર્મચારીની ફરજમાં રૂકાવટના કિસ્સામાં પાસાના કેસ કરવામાં આવશે, આ કેસમાં બે વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઇ છે.