દાહોદ: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કિસાન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના પ્રમાણે ખેડૂત ખાતેદારોને સરકાર દ્વારા રૂપિયા 2000 હપ્તેથી તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. દાહોદ જિલ્લાના 9 તાલુકાઓમાંથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે 35,636 ખેડૂત લાભાર્થીઓએ અરજી કરી હતી.
આ તમામ અરજીઓની વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવતા તેમાંથી 32,737 વ્યક્તિઓ ખાતેદાર ન હોવાનું બહાર આવ્યું હતું. પોતે ખાતેદાર ન હોવા છતાં પણ આ અરજી કરનારાઓ પૈકી 1191 વ્યક્તિઓએ ખોટા દસ્તાવેજોના આધારે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો આર્થિક લાભ ઉઠાવ્યો હતો અને રૂપિયા 32 લાખ 82 હજારની છેતરપિંડી આચરી હતી.
આ અંગે દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી જીતેન્દ્ર સુથાર દ્વારા દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી દાહોદ ગ્રામ્ય પોલીસે ઇન્ડિયન પીનલ કોડ 406 420 120(બી) અને આઇટી એક્ટ 66(d) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.