દાહોદઃ જિલ્લામાં બસ ડેપો દ્વારા હાલ કન્ટેનમેન્ટ એરીયા તેમજ નોન કન્ટેનમેન્ટ એરીયાને ધ્યાને રાખી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે ડેપો પર આવેલા પ્રવાસીઓને સેનેટરાઈઝ કરી થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે પ્રવાસીઓને બસમાં બેસાડવામાં આવી રહ્યા છે. હાલ લીમડી, ઝાલોદ, લીમખેડા, પીપલોદ અને બારીઆ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ જિલ્લામાં નોંન કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા બસ સ્ટેશનોમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમા દાહોદથી ઝાલોદ, દાહોદથી પીપલોદ, લીમખેડા, બારીઆ સહિત તમામ રૂટો પર બસ સેવા શરૂ કરાઇ છે. દાહોદ ST ડેપો દ્વારા 12 સિડ્યુલ ચાલુ કરવામાં આવેલા છે. ત્યારે આ રૂટના પ્રવાસીઓ બસ સ્ટેશને આવી રહ્યા છે. જિલ્લાના બસ સ્ટેશન પર બસોને સંપુર્ણ સેનેટરાઈઝ કરવામાં પણ આવી રહી છે. તેમજ પ્રવાસીઓને હેન્ડ સેનેટરાઈઝર, માસ્ક પહેરાવવાના સુચનો સાથે બસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી બસમાં બેસાડવામાં આવી રહ્યા છે.
પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટની સુવિધા સાથે બસ સ્ટેશનના કાઉન્ટર પરથી પર ટિકિટ ફાળવવામાં આવી રહી છે. તેમજ બસમાં કંડક્ટર અને ડ્રાઈવરને સંપુર્ણ સેનેટરાઈઝ સહિતની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. બસ ડેપોના મેનેજરના જણાવ્યાં અનુસાર, હાલ બસ સુવિધા આ નિર્ધારિત કરેલ રૂટો અનુસાર ચલાવવામાં આવી રહી છે અને જિલ્લા પુરતી બસ સેવા ચાલુ કરવામાં આવી છે. તેમજ વધુમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં સરકારની ગાઈડ લાઈન અને આદેશો અનુસાર જિલ્લા બહાર પણ રૂટો શરૂ કરવામાં આવશે.