દાહોદઃ કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગરમાં વધુ અસરકારક બનાવવા અને લોકોની બિનજરૂરી અવરજવરને ટાળવા માટે કલેક્ટર વિજય ખરાડીએ જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં ફોર વ્હિલર્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત બાઇક ઉપર પણ માત્ર ચાલક પોતે જ સવારી કરી શકશે.
લોકડાઉન થયા પછી પંચમહાલ રેન્જ ડીઆઇજી એમ.એસ. ભરાડાએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સાથે મિટિંગ યોજીને પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં એવી વિગતો રજૂ થઇ હતી કે લોકડાઉનના ભંગ બદલ ૨૨૦ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. ૩૫૦ જેટલા વ્યક્તિઓની આ સબબમાં અટક કરવામાં આવી હતી. ૩૫૦થી પણ વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
કલેક્ટર વિજય ખરાડી સાથે લોકડાઉનને વધુ અસરકારક બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તત્પશ્ચાત ઉપરોક્ત રીતે ખાનગી વાહનોના પરિભ્રમણને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ માલસામાન હેતુ સિવાયના તમામ ફોર વ્હિલર્સ વાહનો લોકડાઉનની મુક્તિના સમયગાળા દરમિયાન પણ ચલાવી શકાશે નહી. તેને લઇને બહાર નીકળી શકાશે નહી. જ્યારે દ્વિચર્કી વાહનો ઉપર માત્ર ચાલક પોતે જ સવારી કરી શકશે. એટલે કે દ્વિચક્રી વાહનની ચાલક પોતાની પાછળ કોઇ સવારીને બેસાડી શકશે નહી. સરકારી ફરજ ઉપર રહેલા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.