દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરબાડા માધ્યમિક શાળા મુકામે સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં ગાંધી સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળામાં ગાંધી સંકલ્પ યાત્રા પહેલા રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડ, પ્રભારી અમિતભાઇ ઠાકર, ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ઉપપ્રમુખ અજીતભાઇ રાઠોડ, ગરબાડા ધારાસભ્ય ચંદ્રીકાબેન, સુધિરભાઇ લાલપુરવાલા સહિત મહાનુભવો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યાર બાદ ગરબાડાની સ્કુલમાંથી ગાંધી સંકલ્પ યાત્રાની ભવ્ય શરુઆત કરવામાં આવી હતી.
આ યાત્રા શાળામાંથી નિકળીને નગર વચ્ચે પહોંચી હતી, ત્યારે ગરબાડા તાલુકાના આગેવાન અને દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજીતભાઈ રાઠોડને અચાનક છાતીમાં દુખાવા સાથે ગભરામણ થવા માંડી હતી. જેથી ગાંધી સંકલ્પ યાત્રામાં નિકળેલા મહાનુભવો તેમજ નગરજનો અને સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતનાઓએ તાત્કાલિક અજીતભાઈને વાહન દ્વારા સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. દાહોદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવતા જ તબીબોએ મોડું થઈ ગયુ હોવાનું જણાવ્યુ હતું તેમજ અજીતભાઈ રાઠોડને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં સન્નાટો છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, દાહોદ અનાજ માર્કેટના ચેરમેન રહી ચુક્યા છે, તેમજ ગુજકોમાસોલના ડીરેક્ટર અને હાલમાં તેઓ ભાજપમાં ઉપપ્રમુખ તરીકે પદભાર સંભાળતા હતાં. ગરબાડામાં એપીએમસી ચેરમેન પણ હતાં. તેમના અવસાનથી ગરબાડા નગર, તાલુકામાં ભારે ખોટ વર્તાશે અને ભાજપને પણ એક અડીખમ સૈનિક ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. આવનારા દિવસોમાં યાત્રા સંદર્ભે પુનઃ જાહેરાત કરવામાં આવશે તેવુ પક્ષના સુત્રોએ જણાવ્યું હતું.