દાહોદ : ગરબાડાથી અલીરાજપુર હાઇવે પર અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ફરી એક વખત દાહોદ અલીરાજપુર હાઇવે ઉપર ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામે તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. એકજ પરિવારના સભ્યોના મોતને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે 108 મારફતે મૃતદેહોને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં. ત્યારે આ ઘટનામાં ચાલકને ઈજા પહોંચતાં તેને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
એક પરિવારના 6 લોકોના મોત થયા : ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના ગરગાડી ફળિયાના પરિવારજનો મજૂરી કામે રાજકોટ ગયા હતા અને આજરોજ સવારમાં અંગત કામ માટે પરત વતન આવી રહ્યા હતા. ગરબાડાથી રિક્ષામાં બેસી ઘરે જતા હતા ત્યારે સવારના 7 વાગ્યાના સુમારે પાટિયાઝોલ ગામના તળાવ પાસે આવતા ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
- મૃતકોની યાદી
- નરેશભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ. 35
- પવનભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ. 32
- રાઘવભાઈ પવનભાઇ કટારા ઉ.વર્ષ 9
- મુકેશભાઈ મૂડીયાભાઈ કટારા ઉ.વર્ષ 38
- કેવનભાઈ ઈશ્વરભાઈ કટારા ઉ.વર્ષ 22
- રેખાબેન ઈશ્વરભાઈ કટારા ઉ.વર્ષ 32
ઝરી બુઝર્ગ ગામના ગરગાડી ફળિયાના પરિવારજનો રાજકોટ તરફની રોજગારી મેળવી પોતાના વતને આવી રહયા હતા. તે સમયે ગરબાડાથી રિક્ષામાં બેસીને ગામ તરફ આવતી વેળાએ પાટિયા ઝોલ ગામે તળાવ નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં પરીવાર 6 સભ્યોના કરૂણ મોત નિપજયા હતા. અમે પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાની અંદર ગરબાડાથી અલીરાજપુર તરફ જતા રસ્તામાં અવારનવાર અકસ્માતો નોંધાતા રહે છે. જેનું મુખ્ય કારણ રસ્તાની અંતરે આવતા ભયજનક વળાંકો છે. - ગામના આગેવાન કમલેશ માવી