- ભથવાડા ટોલનાકા પર LPG ગેસ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા ગેસ ગળતર
- ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર હાઇવેની સાઈડમાં ઉતર્યું
- અગ્નિશામક દળ દ્વારા ગેસ ગળતર બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ
દાહોદઃ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા નજીક ટોલનાકા પર બુધવારે સાંજના સમયે ગોધરાથી એલપીજી ગેસ ભરેલુ ટેન્કર દાહોદ તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર હાઇવેની સાઈડમાં ઉતર્યું હતું. જેથી ટેન્કરમાંથી અચાનક ગેસ ગળતર ચાલુ થતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી
આ ઘટનાને લઈ ટોલનાકાના કર્મચારીઓએ સમય સુચકતા વાપરી ટોલનાકાની લાઈટો બંધ કરીને બનાવની જાણ દાહોદ તેમજ બારીયા અગ્નિશામક દળ અને પોલીસને કરતા પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી.
ટ્રાફિકને બારીયા તરફ ડ્રાઇવર્ટ કરાયો
પોલીસે હંગામી ધોરણે નેશનલ હાઈવે બંધ કરી ટ્રાફિકને બારીયા તરફ ડ્રાઇવર્ટ કર્યો હતો અને ગેસ ગળતર ચાલુ હોવાથી અગ્નિશામક દળ દ્વારા ગેસ ગળતરને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.