દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના આમલી ગામના રહેવાસી અને હાલમાં વડોદરા મુકામે ટ્રાફિક પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયાને પંથકની પરિણીત મહિલા સાથે વર્ષ 2016માં પ્રેમસંબંધ બંધાયો હતો.
આ પરણિત મહિલાને પીએસઆઇ ઉમેશ દ્વારા ફોસલાવીને પરિણીત મહિલા અને તેના પતિ સાથે ઝઘડો તકરાર કરાવીને છૂટાછેડા લેવડાવ્યા હતાં, ત્યારબાદ બીજી પત્ની તરીકે રાખવા માટે ત્રણ અજાણ્યા વ્યક્તિઓની મદદ લઇ દાહોદથી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ગાંધીનગર લઈ ગયો હતો. જ્યાં તેણીને બળજબરીપૂર્વક પોતાની સાથે રાખી આસારવા ખાતે લગ્ન નોંધણી કરાવી હતી, ત્યારબાદ આ યુવતી પરત પોતાના ઘરે આવી હતી.

જો કે, બીજી વખત 18 જુલાઈના રોજ સવારે પીએસઆઇ ઉમેશ નલવાયા બળજબરીપૂર્વક મહિલાને અપહરણ કરીને લઈ ગયો હતો અને વડોદરા ફાર્મ હાઉસ અને વડોદરા અમિત નગર ખાતે મકાનમાં ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં 5 ઓગસ્ટના રોજ રાતના અગિયાર વાગ્યાના સુમારે યુવતીને એક ગામમાં પંચોની હાજરીમાં પરત છોડી ગયો હતો. આ સંદર્ભે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદાના રખેવાળ ટ્રાફિક પીએસઆઇ ઉમેશ રામસિંગના વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.