દાહોદ: દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત વર્ષ 2020-21ના આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં મંજૂર કરવામાં આવેલા વિકાસ કાર્યોમાં રૂપિયા 676.58 લાખની રકમના 143 કામોની પાક અને કૃષિ વ્યવસ્થા અંતર્ગત જોગવાઇ કરવામાં આવી છે. જયારે પાક અને કૃષિ (બાગાયત) અંતર્ગત ૯ કામો માટે રૂ. 27.83 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
ભૂમિ અને જળ સંરક્ષણના 9 કામો માટે રૂપિયા 17 હજારની રકમની જોગવાઇ કરવામાં આવી છે. પશુપાલન માટેના 82 કામો માટે રૂપિયા 261.71 લાખની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે ડેરી વિકાસના 9 કામો માટે રૂપિયા 34.43 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.
જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા માટેના 2562 કામો માટે રૂપિયા 1286.91 લાખની જોગવાઇ કરવામાં આવી છે. જયારે નાની સિંચાઇના 667 કામો માટે રૂ. 1155.61 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
જ્યારે રસ્તા અને પુલના 477 કામો માટે રૂ. 556.51 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વનનિર્માણ, ગ્રામ વિકાસ, વિજળીકરણ, ગ્રામ અને લઘુઉદ્યોગ, શિક્ષણ, જાહેર આરોગ્ય, ગૃહ નિર્માણ, સહકાર, શ્રમ અને રોજગાર જેવા મહત્વના વિકાસ કાર્યો વર્ષ 2020-21 માટે મંજૂર કરવામાં આવ્યા છે.