વલસાડ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે આકાશમાં મોડી સાંજે સૂર્યદેવના રંગબેરંગી કિરણોએ અનોખી આભા ઉભી કરી હતી. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં મંગળવારે 34 ડીગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 19 ડીગ્રી રહ્યું હતું. જિલ્લામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું હતું.
રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 15 ડીગ્રી રહ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં વલસાડ ઉપરાંત સુરતમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડીગ્રી અને મહત્તમ તાપમાનનો પારો 33 ડીગ્રી પર હતો. ગુજરાતના અન્ય મુખ્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાન 17 ડિગ્રીથી 24 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 30 થી 33 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. હાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ નહિવત હોવાનું જણાવ્યું છે.