વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બોર્ડર વિલેજ તરીકે જાણીતા રાયમલ ગામના ગોરથી ફળિયાના રહીશો આજે પણ પાયાગત સુવિધાઓથી વંચિત છે. અહીં સરકાર તરફથી તો તમામ સુવિધાઓ આપી હોવાની સરકારી ચોપડે નોંધ છે. પરંતુ તે સુવિધાઓ અહીં ક્યાંય નજર આવતી નથી. ગામના લોકોએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે ગામ નદી કાંઠે છે. નજરમાં તો પાણી જ પાણી છે. પરંતુ તેમ છતાં શુદ્ધ પીવાનું પાણી નસીબમાં નથી. નદી કાંઠે વીરડો ગાળી કાંપ વાળું પાણી પીવું પડે છે. રસ્તા ધોવાઈ ગયા છે. લાઈટ, આંગણવાડીના ઠેકાણા નથી.
સરકારી ચોપડે વિકસિત ગામની દયનીય હાલત ગામના લોકોનું કહેવું છે કે કપરાડા પંચાયતમાં ગામના આ ફળિયાના લોકોની સુવિધા માટે રજૂઆત કરવા ગયા તો ત્યાં સરકારી ચોપડે ગોરથી ફળિયામાં 3 બોરિંગ, 2 કુંવા, એક આંગણવાડી, અને 130 શૌચાલયની સુવિધા નોંધાયેલી છે. જ્યારે હકીકતે ગામમાં એકપણ સુવિધા નથી. પાણીનું તો સમજ્યા પણ આંગણવાડી અને આવાગમન માટેનો સારો રસ્તો સુધ્ધાં નથી.ગામના આ ફળિયામાં 50 જેટલા ઘર છે. જેઓ માત્ર નદીમાંથી માછલી પકડી ગુજરાન ચલાવે છે. ફળિયાને સુવિધા મળે તે માટે ગ્રામપંચાયતના સરપંચ સમક્ષ રજૂઆત કરતા તે આ વિસ્તાર ડુબાણનો વિસ્તાર હોવાનું જણાવી છટકી રહ્યા છે. જેની સામે ગામના લોકોનો આક્ષેપ છે કે જો ડુબાણનો વિસ્તાર હોય તો ગ્રામપંચાયત ઘર વેરો શુ કામ વસુલે છે. તે બંધ કરવો જોઈએ. જે પ્રદેશ ગ્રામજનોને સુવિધા ઉપ્લબ્ધ કરાવે તેની સાથે જોડાવા તૈયાર છે.આ અંગે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના સભ્યએ જણાવ્યું હતું કે આવા ચાર ગામ છે જે સંઘપ્રદેશમાં છે. જેમાં રાયમલ સહિતના 3 ગામ બોર્ડર વિલેજ ગામ છે. અહીં અમે પાણી માટે બોરિંગ, કુવા, પાણીની ટાંકી, શાળા, માર્ગોની સુવિધા પૂરી પાડી છે. એટલે એક સમયે વિકાસથી વંચિત રહી આ ગામના લોકોએ દાદરા નગર હવેલીમાં જોડાવની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, હાલ તમામ સુવિધાઓ મળતા તેઓ હવે કાપરડામાં જ રહેવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે આ ગામની આ સાચી હકીકત ત્યારે સામે આવી જ્યારે ગામ ગુજરાતમાં રહેવા માંગે છે કે દાદરા નગર હવેલીમાં જોડાવા માંગે છે. તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવાની કોશિષ કરી. ગામના મોટાભાગના લોકોએ તે વખતે ગામના સરપંચ સાથે ઉભા રહી ગુજરાતમાં રહેવાની વાત કરી હતી. પંરતુ, ગોરથી ફળિયાના યુવાનોએ ગામમાં સુવિધાઓ નથી તે અંગે વાત કરતા ગામના સરપંચ સ્થળ છોડી રફુચક્કર થઈ ગયા હતા.