દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય વિજય મેળવનાર મોહન ડેલકરે વિજેતા બન્યા બાદ મંગળવારે બપોરે એક વાગ્યે પ્રથમ વખત દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન સચિવાલય ખાતે કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાત 3 વાગ્યા સુધી એટલે કે સતત 2 કલાક સુધી ચાલી હતી. જેમાં ભાજપ સરકાર દ્વારા ચાલી રહેલા વિકાસના પ્રોજેકટ, લોકોની સુખાકારી માટેની સરકારી યોજનાઓ અને આગામી દિવસોમાં પ્રદેશની જરૂરિયાત મુજબના કર્યો હાથ ધરવા અંગેની ચર્ચા કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સાંસદ બન્યા બાદ મોહન ડેલકરે હાલમાં જ દિલ્હીની મુલાકાત લઇ દાદરા નગર હવેલીમાં હંગામી ધોરણે કામ કરતા શિક્ષકોને કાયમી કરવાની રજૂઆત કરી હતી તો લોકસભા જીતની ખુશીમાં સાયલી ખાતે પ્રથમ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં આગામી દિવસોમાં પ્રદેશમાં પ્રશાસન સાથે મળી કેવા કાર્યો કરવામાં આવશે તે અંગેની ખાસ જાહેરાત પણ કરશે. તેવું સુત્રોએ જણાવ્યું હતું.