આ મામલે આયોજકો દ્વારા દમણ કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ ગયું હતું. તેમ છતાં પ્રશાસને આ પ્રતિનિધિઓને મળવાને બદલે જપ્ત કરેલો સામાન પરત નહીં આપવા હુંકાર કર્યો છે. ત્યારે આ મામલે ગરબા આયોજકોનું કહેવું છે કે, પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે 10 વાગ્યે જ બધા નવરાત્રી મંડળોમાં નવરાત્રી મહોત્સવ બંધ કરાવ્યો હતો. જે બાદ આયોજકો દ્વારા રજૂઆત કરવામાં આવતા 12 વાગ્યા સુધીની સમયમર્યાદા નિશ્ચિત કરાઈ હતી. તેમ છતાં બુધવારે 11:30 વાગ્યે એકતા મિત્ર મંડળમાં મામલતદારની ટીમ ધસી આવી હતી અને ગરબા બંધ કર કરાવી DJ અને મંડર સહીત 5 લાખનો સામાન જપ્ત કર્યો છે.
આ અંગે પ્રશાસન તરફથી જાણવા મળ્યું છે કે, પ્રશાસને જે સમયમર્યાદા આપી છે તેમાં 10 વાગ્યા પછી ધીમા સાઉન્ડમાં ગરબા રમવાની છે. જ્યારે અહીં D.J. નો સાઉન્ડ વધારે હોવાથી ધ્વનિ પ્રદુષણના નિયમ મુજબ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ શક્તિ આરાધના પર્વ દરમિયાન પ્રશાસન દ્વારા નવરાત્રી આયોજકોને નવરાત્રી મહોત્સવ પર કનડગત કરી પરેશાન કરવામાં આવી રહ્યાં હોવાનું આયોજકો માની રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકિય કિન્નાખોરીને ધ્યાને રાખી ધ્વનિ પ્રદૂષણના બહાના હેઠળ આયોજકના DJ સામાન જપ્ત કરી મોટું નુકસાન કરાવ્યું છે.