આ પ્રસંગે પશ્ચિમ અને મધ્ય ભારત ક્ષેત્રના રિજિયોનલ ડિરેક્ટર નીલા લાડે etv ભારત સાથે ખાસ વાત કરી હતી. અને ગત વર્ષમાં અતુલ્ય ભારત થકી 10 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હોવાનું અને હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કુંભમેળાને અતુલ્ય ભારત દ્વારા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના ઘોલવાડ તાલુકાના બોરડી ગામે આયોજિત બે દિવસીય ચીકુ ફેસ્ટિવલમાં અતુલ્ય ભારતે પણ આ ફેસ્ટિવલને પ્રવાસન ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ અપાવવા ખાસ સહયોગ આપ્યો છે. 2013થી બોરડી બીચ ખાતે ઉજવાતા ચીકુ ફેસ્ટિવલને મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સહયોગ થકી શરૂ કરાયા બાદ આ વખતે મહારાષ્ટ્ર આદિવાસી વિકાસ સંગઠન અને અતુલ્ય ભારતે પણ પોતાનો સહયોગ આપ્યો છે. અને પ્રવાસન ક્ષેત્રે આ વિસ્તારને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવવાનું બીડું ઝડપ્યું છે.
ચીકુ ફેસ્ટિવલમાં ચીકુની અનેક ખાદ્ય વેરાયટી ઉપરાંત આદિવાસી હસ્તકલાની પણ અનેક ચીજવસ્તુઓના સ્ટોલ, વિવિધ પ્રકારની વેજ નોનવેજ વાનગીઓના સ્ટોલને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ તેનો લાભ લીધો હતો. ચીકુ ફેસ્ટિવલમાં પોતાની ટિમ સાથે ખાસ ઉપસ્થિત રહેલા પશ્ચિમ અને મધ્ય ભારત ક્ષેત્રના રિજિયોનલ ડિરેક્ટર નીલા લાડે etv ભારત સાથે ખાસ વાત કરી હતી. નીલા લાડે જણાવ્યું હતું કે ભારત ખરા અર્થમાં અતુલ્ય છે. એટલે જ અતુલ્ય ભારત છે. જેને પ્રવાસનક્ષેત્રે જગપ્રસિદ્ધ કરવા માટે પ્રવાસન વિભાગ દ્વારા અનેક ફેસ્ટિવલરૂપી આયોજન કરવામાં આવે છે. જેમાં મેંગો ફેસ્ટિવલનું નામ કદાચ અન્ય સ્થળે કોઈએ સાંભળ્યું હશે પરંતુ ચીકુ ફેસ્ટિવલ એ કદાચ અહીં જ જોવા મળે છે.
આ વિસ્તારનો સુંદર દરિયાકાંઠો પ્રવાસીઓને આકર્ષી શકે અને તેના દ્વારા સ્થાનિકોને રોજગારી મળે તે પ્રવાસન મંત્રાલયનો અને અતુલ્ય ભારતનો મુખ્ય ઉદ્દેશ છે. અને એટલે આ વખતના ચીકુ ફેસ્ટિવલમાં અતુલ્ય ભારત પણ સહભાગી બન્યું છે. નીલા લાડે વધુમાં જણાવ્યું હતું કે અતુલ્ય ભારત થકી ગત વર્ષે ભારતમાં 10 મિલિયન વિદેશી પ્રવાસીઓએ અને એ સિવાય ભારતના જ વિવિધ રાજ્યોના લાખો પ્રવાસીઓએ ભારતના વિવિધ પ્રવાસન ક્ષેત્રની મુલાકાત લઈ ભારતની ધરોહરને જાણી અને માણી હતી. હાલમાં અતુલ્ય ભારત દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રમોટ કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર, મ્યુઝિયમ અંગે પ્રવાસીઓમાં જાણકારી વધે અને તેની મુલાકાત લે તે માટે તેનો વિશેસ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.
નીલા લાડના જણાવ્યાં મુજબ ભારતમાં અનેક હેરિટેજ સ્થળો છે. કેટલાય પ્રવાસીઓને આકર્ષી શકતા પ્રવાસન ક્ષેત્રો છે. જેમાં આ વખતે અલાહાબાદના પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળાને પણ અતુલ્ય ભારતમાં સમાવેશ કરાયો છે. કેમ કે દર 4 કે 12 વર્ષે આવતો કુંભમેળો એક આગવી ભારતીય પરંપરાનું દર્શન કરાવે છે. અને સમગ્ર વિશ્વમાં આ એક જ એવો મેળો છે. જેમાં એક સાથે કરોડો લોકો ઉપસ્થિત રહે છે. કુંભમેળાની મુલાકાતે લાખો વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. અને તેઓ 4 વર્ષ સુધી તેની આતુરતાથી રાહ જોવે છે. આવા અનેક પર્યટન સ્થળો થકી જ ભારત અતુલ્ય છે. અને તેના થકી સ્થાનિક લોકોને સીધી રોજગારી અપાવવી એ જ પ્રવાસન વિભાગનો ઉદેશ્ય છે.
તચીકુ ફેસ્ટિવલમાં અતુલ્ય ભારતના સહયોગની ચીકુ ફેસ્ટિવલના આયોજકોએ પણ વધાવ્યો હતો. અને તેના સહયોગથી ચીકુ ફેસ્ટિવલ સાથે સાથે બોરડીના સુંદર દરિયાકાંઠાનો પણ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. અતુલ્ય ભારતની પશ્ચિમ અને મધ્ય શાખામાં મહારાષ્ટ્ર, ગુજરાત,દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જેમાં અતુલ્ય ભારત થકી ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો ખુબજ પ્રચાર પ્રસાર કરાયો છે. જેના દ્વારા જ આજે કચ્છના રણોત્સવથી લઈને ડાંગના સાપુતારાના વિન્ટર, સમર અને મોન્સૂન ફેસ્ટિવલની લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ સરકારની તિજોરી છલકાવવા સાથે સ્થાનિકોને રોજગારી આપી રહ્યા છે.