દાદરા: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના હાલના સાંસદ મોહન ડેલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ વહીવટ દ્વારા અસહકાર અને કામ ન કરવાને કારણે દાદરા નગર હવેલીના સાંસદ પદેથી રાજીનામું આપવાના છે. ડેલકરે આ માટે સીધું પ્રશાસનને જવાબદાર ઠેરવી તેને સરમુખત્યાર કેટેગરીમાં મુકતા ગંભીર આક્ષેપો કર્યા છે.
મોહન ડેલકરના રાજીનામાનો આ વીડિયો જોયા બાદ દમણ કોંગ્રેસના અધ્યક્ષ કેતન પટેલે મોહન ડેલકરના આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણી આને ચૂંટણી જીતવાના રાજકારણમાં ખપાવ્યું છે. કેતન પટેલે મોહન ડેલકરને કમજોર નેતા ગણાવી આક્ષેપો કર્યા હતા કે એક સાંસદને કોઈ ડરાવે એ વાત ગળે ઉતરતી નથી. કેતન પટેલે આમાં દાળમાં કંઈક કાળું હોવાનું જણાવી આગામી નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ ચૂંટણી સ્ટંટ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ તરફ ડેલકરના આ આક્ષેપો સામે દાદરા નગર હવેલીના માજી સાંસદ નટુભાઈ પટેલે અખબારીયાદી જાહેર કરી મોહન ડેલકર પર જ ગંભીર આક્ષેપો કરી દીધા છે. નટુ પટેલે આપેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સાસદે કરેલો દાવો ફક્ત એક સફેદ ઝંખના છે અને જનતાને ફસાવવામાં માત્ર નિષ્ફળતા છે. જે તે વર્ષોથી નિર્દોષ લોકો સાથે કરી રહ્યા છે.
છેલ્લા 6 વખત તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ક્યારેય રાજ્યની જનતાની સંભાળ લીધી નહોતી અને હાલની 7મી ટર્મમાં કોરોના જેવા રોગચાળામાં પણ ક્યારેય ઘરની બહાર નીકળ્યા નથી કે કોઈ જરૂરતમંદને મદદ કરી નથી. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની સ્થિતિ શું હતી તે કોઈથી છુપાયેલું નથી. વિકાસના નામે માત્ર કાગળ પર વિકાસ થતો અને યોજનાઓની રકમ જમીન ગળી જતી હતી. કંપનીઓના સંચાલકો ગભરાટમાં રહેતા હતા. ગુંડાગીરી ચરમસીમાએ હતી. રોજગારના નામે હપ્તાવસૂલી અને લૂટફાંટ મચાવાતી હતી.
જ્યારે મારા 10 વર્ષના કાર્યકાળમાં સિલવાસામાં પુલ, રસ્તા, મકાનો બનાવ્યા છે. લોકોને પેન્શન મળ્યું છે. મેડિકલ કોલેજો, સરકારી કોલેજો, રીંગ રોડ, સાયલીમાં સ્ટેડિયમ ગ્રાઉન્ડ, 108 એમ્બ્યુલન્સ સેવા, ખાનવેલમાં 100 પથારીની હોસ્પિટલ, તમામ પંચાયતોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ઉભા કર્યા છે. જેની સામે સાત ટર્મ વર્તમાન સાંસદમાં, ફક્ત તેમણે પોતાનો વિકાસ કર્યો. 2019માં સક્ષમ નેતાનું સૂત્ર જીતીને, જ્યારે અસમર્થ સાબિત થાય છે, ત્યારે ભોળી ભાલી આદિવાસી પ્રજાને ફરીથી મૂર્ખ બનાવવા માટે આંગળી કાપીને શહીદ થવાનો ઢોંગ કરી રહ્યાં છે.
દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટીતંત્ર ઉત્તમ કામગીરી કરી રહ્યા છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પ્રશાસન સફળ રહ્યું છે, જેના કારણે તમામ ગેરકાયદેસર કામો નિષ્ક્રિય થઈ ગયા છે. સાંસદના રક્ષિત ગુંડાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વહીવટનું કામ તેમના હાથમાં નથી, જે સાંસદને પસંદ નથી.
આ સંજોગોમાં જો હાલના સાંસદ રાજીનામું આપે તો દાદરા અને નગર હવેલીના લોકો ખુશ થશે અને સામાન્ય લોકો અસમર્થ અને અનૈતિક પ્રતિનિધિથી મુક્તિ મેળવશે. એવું પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું.
જો કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં પ્રશાસનની કામગીરી સામે પહેલેથી જ વિવાદના મધપૂડા છંછેડવામાં આવતા રહ્યા છે. જ્યારે પ્રદેશમાં કોરોના મહામારી ચરમસીમાએ છે. ચોમાસાનો વરસાદ દુષ્કાળ તરફ ડગ માંડી રહ્યો છે. હજારો કામદારો વતન જતા રહ્યા બાદ ઔદ્યોગિકક્ષેત્રે માઠી બેઠી છે. ત્યારે આ રાજકીય આગેવાનોને લોકોની પડખે કે પ્રશાસનની સાથે ઉભા રહેવાને બદલે રાજકારણ રમવામાં રસ પડ્યો છે.
એક સમયે આ જ નેતાઓ એકબીજાને કમજોર નેતા ગણાવી પ્રશાસનની કઠપૂતળી ગણાવતા હતાં. તો, ક્યારેક પ્રશાસનને સવાયું ગણાવતા હતા. ક્યારેક પ્રશાસનને પ્રજા વિરોધી ગણાવી વીજ યુનિટ વધારા મુદ્દે, ઓનલાઈન ભંગાર સિસ્ટમ મુદ્દે, પાલિકા ટેક્સ અને વિકાસના મુદ્દે આડે હાથ લેતા હતા તે જ લોકો હવે મોહન ડેલકરના રાજીનામા પર આક્ષેપબાજી કરી પ્રશાસનની તરફેણ કરી રહ્યા છે. ખરેખર રાજકારણ ખૂબ અઘરો વિષય છે. અને રાજકારણીઓ માત્ર સત્તા માટે જ છે પ્રજા માટે ક્યારેય હતા નહિ અને કદાચ થશે પણ નહીં તે દાદરા નગર હવેલીના આ રાજકીય વિવાદથી જગજાહેર થયું છે.