- ઓરસંગ નદી પરના બ્રિજની નજીકથી વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પાયા ખુલ્લા થયા
- પાયા ખુલ્લા થઈ જતાં બ્રિજ પર જોખમ તોળાઈ રહ્યું છે
- આ વિસ્તારના લોકોએ પુલ બચાવવા માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
છોટાઉદેપુર: જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજની નજીકથી વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પાયા ખુલ્લા થઈ જતાં બ્રિજ પર જોખમ તોળાઈ રહ્યું છે. વર્ષો પહેલા ઓરસંગ નદી ઉપર સામે કિનારાને જોડવા માટે આ વિસ્તારના લોકોની ભારે રજૂઆતો અને આંદોલન બાદ કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાવી જેતપુર અને સામે કિનારે આવેલા 400 થી વધુ ગામના લોકોને અવર જવર કરવા માટેનો લાભ મળી રહ્યો છે. અંદાજિત 700 મીટરના આ બ્રિજના 21 જેટલા પીલ્લરો આવેલા છે. જેમના 12 પીલ્લરોના પાયા ખુલ્લા થઈ ગયા છે. 10 થી 12 ફૂટના પાયા ખુલ્લા થતાં લોકોમાં એક ચિંતા જોવા મળી રહી છે કે ઓરસંગ નદીમાં જો ભારે પૂર આવે તો પુલ ધરાશાયી થઈ શકે. જો સંભવિત રીતે પુલમાં નુકશાન થાય તો આ વિસ્તારને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવી શકે. આ બ્રિજને બનાવવા માટે લોકોએ પુલ નહી તો વોટ નહી તેવા મુદ્દા સાથે આંદોલન કર્યું હતું અને જેને લઈ આ વિસ્તારમાં પુલ બનાવવામાં આવ્યો હતો. હવે એ જ લોકો પુલ બચાવવા માટે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
અનેક આંદોલનો કર્યા બાદ પણ રેત ખનન અટક્યું નહીં
જે પરિસ્થિતીનું નિર્માણ થયું છે તેનું કારણ આ વિસ્તારના લોકો ભારે પ્રમાણમાં રેતીના ખનનને ગણાવી રહ્યા છે. અનેક આંદોલનો કર્યા બાદ પણ રેત ખનન અટક્યું નથી. પૂલની બન્ને બાજુએ જે પ્રમાણે રેતી ઉલેચાઇ રહી છે. તેને લઈ નદી માની રેતીના તળ નીચે જઈ રહ્યા છે અને જે પૂલનો આધાર પિલ્લરો છે તેના પાયા ખુલ્લા થઈ રહ્યા છે. જેથી આ વિસ્તારના લોકો રેતી ખનન પર રોક લગાવે તેવી માગ કરી રહ્યા છે. રેતીના ખોદકામના નિયમોનું રેત માફિયા દ્વાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આડેધડ ખાડા કરી દેવામાં આવે છે. જેને લઈ નદીના પટમાંથી પસાર થતાં લોકોના જીવ પણ ડૂબી જવાથી ગયા છે અને આવા બનાવો પણ સામે આવ્યા છે.
આ વિસ્તારના લોકોએ હાઇકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી
સતત રીતે રેતીનું ખોદકામ થવાથી જે રીતે નદી માની રેતીના પટ નીચે જઇ રહ્યા છે. તેને લઈ પાયા તો ખુલ્લા થયા જ છે. સાથો સાથ કિનારા ધોવાઈ રહ્યા છે પટ પહોળા થઈ રહ્યા છે. પાવી જેતપુર ગામની જનતાને પાણી આપવામાં આવે છે તે ટાંકી પણ જોખમમાં મુકાઇ છે. ખાસ જોખમ એ જોવાઈ રહ્યો છે કે જો વધુ પ્રમાણમાં કિનારાનું ધોવાણ થશે તો કિનારા પર આવેલી હાઇ ટેન્શન વીજ પૂરવઠાની લાઇનનો ટાવર તૂટે તેવી શક્યતા પણ વિસ્તારના લોકો સેવી રહ્યા છે. આ વીજ લાઇન અંદાજિત 700 મીટરની નદી ઉપરથી પસાર થઈ રહી છે અને સાથે સાથે એ પણ જોખમ છે કે બ્રિજની બિલકૂલ નજીકથી પસાર થઈ રહી છે જો હાઇ ટેન્શન વાયર બ્રિજને આડે તો મોટી હોનારત પણ સર્જાઈ શકે. આ તમામ બાબતોને ધ્યાને લઈ વિસ્તારના લોકો બેજવાબદાર અધિકારીઓને દોશી ઠેરવી રહ્યા છે. હવે જ્યારે કોઈ નિરાકરણ નથી આવતું ત્યારે આ વિસ્તારના લોકો હાઇકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે.
કેમેરા સામે બોલવાનો અધિકારીએ કર્યો ઇન્કાર
પાવી જેતપુર ગામ માટે જીવાદોરી સમાન ઓરસંગ નદી પરના બ્રિજના પાયા જે રીતે ખુલ્લા થઈ રહ્યા છે. તેને લઈ લોકો ભયભીત જોવાઈ રહ્યા છે. વિસ્તારના લોકો જે રીતે ચિંતા કરી રહી રહ્યા છે. તે રીતે જો આ બ્રિજને નુકશાન થાય તો ભવિષ્યમાં પાવી જેતપુર અને અન્ય ઘણા ગામના લોકોને ભારે હાલકી પડી શકે છે. આ બાબતે RNB વિભાગ પાસેથી જાણકારી લેવાની કોશિષ કરવામાં આવી તો તે બાબતે કેમેરા સામે બોલવાનો અધિકારીએ ઇન્કાર કરી દીધો હતો.