છોટાઉદેપુર: સંખેડા તાલુકાના કોસીન્દ્રા ખાતે શ્રી ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 6 વિદ્યાર્થીનીઓ ખાનગી પીકઅપ વાનમાં બેસીને કુંડીયા ગામે પોતાના ઘરે આવવા નીકળી હતી. આ દરમિયાન શખ્સોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ ગભરાઈને ચાલુ ગાડીમાંથી નીચે કૂદી પડી હતી. જો કે આગળ જઈને વાન પણ પલટી મારી ગઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ક્યારે બની ઘટના: છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રથી કુડિયા આવવા પિકઅપ વાહનમાં કુલ 15 વિદ્યાર્થીનીઓ બેઠેલી હતી હતી. જેમાં જીપના કેબિનમાં 3 શખ્સો હતા અને પાછળ 2 શખ્સો કુલ પાંચ શખ્સો બેઠા હતા. શાળાથી ઘરે પરત આવવા વિદ્યાર્થીનીઓ આ પિકઅપ ગાડીમાં બેઠી હતી. આ દરમિયાન એક વ્યક્તિ વાહનમાં પાછળ આવી ગયો અને વિદ્યાર્થીનીઓનું છેડતી કરવાનું શરૂ કર્યું. આનાથી ગભરાઈને 15માંથી 6 જેટલી વિદ્યાર્થીનીઓ ગભરાઈને ગાડીમાંથી કૂદી પડી હતી.
વાહને પલટી મારી: વિદ્યાર્થીનીઓ વાહનમાંથી કૂદી પડતાં ડ્રાઈવરે છોકરીઓને કુંડીયા તરફ લાવવાનો બદલે રોંગસાઉડ વાસણા ચોકડીથી લાછરાસ તરફ ગાડી મારી મૂકી હતી. જો કે શખ્સોએ અંદર બેઠેલી 9 છોકરીઓને પણ હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીનીઓએ ડ્રાઈવરને ગાડી રોકવા જણાવ્યું હતું. પરંતુ તેણે ગાડીને વધુ ઝડપે ભગાવતાં વાસણા વસાહત નજીક ગાડી પલટી મારી ગઈ હતી. ગાડી પલટી મારતાં 9 જેટલી છોકરીઓને નાનીમોટી ઇજા થતાં નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યારે 6 જેટલી છોકરીઓને નસવાસી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી.
પિકઅપ ગાડીના ચાલકની ધરપકડ: પીકઅપ વાનમાં બેઠેલી વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી અને તેમની ગાડીમાંથી કૂદી પડવાની ઘટના બાદ વાન પણ પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતાં કુંડીયા ગામના વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી થાય તે અંગે માંગ કરી હતી. જ્યારે નસવાડી પોલીસે દવાખાને પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિદ્યાર્થીનીઓની ફરિયાદના આધારે છેડતી અને ધાડનો ગુનો સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે, આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓમાં પિકઅપ ગાડીના ચાલક અશ્વિન ભીલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુરેશ ભીલ, અર્જુન ભીલ, પરેશ ભીલ, શૈલેષ ભીલ, અને સુનીલ ભીલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગે કોસિન્દ્રાની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અમે 15 જેટલી છોકરીઓ ઘરે જવા માટે ગાડીમાં બેઠા હતા, જ્યાં અજાણ્યા શખ્સો નશામાં હોય કે કેમ છેડતી થતાં અમો ગભરાઈને પિકપ ગાડીમાંથી કૂદી પડ્યા હતા.
અમારી છોકરીઓ ઘરે જવા માટે ઊભી હતી. ત્યાં એક પિકઅપ વાન આવતાં છોકરીઓ ઘરે જવા બેઠી હતી. નશામાં ધૂત વાનમાં બેઠેલાં શખ્સોએ છોકરીઓની છેડતી કરતાં છોકરીઓ ગભરાઈ જતાં ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી. છોકરીઓને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. - પ્રવીણ ભાઈ રાજપૂત, વિદ્યાર્થીના વાલી
ગામમાં વાહનની સુવિધા કરવા માંગ: સંખેડા તાલુકાના કુંડીયા ગામમાં સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે લોકોને અવર-જવર માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ત્યારે આ ગામના 140થી વધુ બાળકો વિદ્યાર્થીઓ કોસીન્દ્રા ખાતે શ્રી ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેઓ રોજે ખાનગી વાહનમાં શાળાએ જાય છે. ત્યારે આ દરમિયાન ગઈકાલે બનેલી છેડતીના ઘટનાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓએ સરકાર પાસે વાહનની સુવિધા કરવા માંગ કરી છે.