છોટાઉદેપુરઃ ગુજરાતમાં છોટાઉદેપુરના સ્થાનિક આદિવાસીઓ પોતાની પરંપરા અને રીત રિવાજો થકી સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં અગ્રેસર છે. પુનિયાવાંટ ગામે દર 100 વર્ષે ઉજવાતો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે. જેમાં દેવોની પેઢી બદલવાની પરંપરા છે. આ ઉત્સવમાં એક વિધિમાં દેવોના લગ્ન પણ કરાવવામાં આવે છે. પુનિયાવાંટ ગામે સાઈ ઈંદ પાનગાં ઉત્સવ શરુ થયો છે.
100 વર્ષ પહેલા દેવોની પેઢી બદલાઈ હતીઃ પુનિયાવાંટ ગામની સીમમાં આજથી એક સદી પહેલા દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી. જે દેવોની પેઢી બદલવામાં આવી હતી તે આજના યુવાનોએ જોઈ પણ નથી. આદિ અનાદી કાળથી ચાલતી આવતી પરંપરાઓનું જ્ઞાન આજના યુવાનો ને મળી રહે તેવા શુભ આશય સાથે આ ઉત્સવ ઉજવાયો છે. ગામના પશુ, પંખીઓ સહિત માનવોનું આરોગ્ય નિરોગી રહે, ગામમાં સુખાકારી જળવાઈ રહે, પાક ઉત્પાદન વધુ થાય અને પૂર્વજો રાજી રહે તે માટે આ ઉત્સવ ઉજવાય છે. ગામના આદિવાસી ઉપરાંત પટેલ અને મુસ્લિમ એવા ૪૦૦ પરિવારો ભેગાં મળી ઉદાર હાથે ફાળો આપી રૂપિયા ૧૦ લાખના ખર્ચે દેવો ની પેઢી બદલવા નો ઉત્સવ ઉજવ્યો છે. આ ઉત્સવના આયોજન પાછળ ગામલોકોની 1 મહિનાની મહેનત લાગેલ છે.
ઉત્સવની વિધિઃ 100 વર્ષ અગાઉ ગામમાં દેવોની પેઢી બદલવામાં આવી હતી. આ વર્ષે ગામના લોકોએ આ ઉત્સવમાં ગામની સીમમાં આવેલા 20 જેટલા દેવ સ્થાનો પર રહેલા જૂના માટીના ઘોડા, લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો, ખૂંટડા, કરુંડીયા પૂજા વિધિ સાથે બદલવામાં આવે છે. ત્યારબાદ વિધિસર દેવોના લગ્ન ઉજવાય છે. ભકતો 10 દિવસ સુધી બાફેલા ભાત અને મરચું જમાવાનું વ્રત કરે છે. ગામની મહિલાઓ સાથે મળીને મોટા પ્રમાણમાં અડદની દાળ, વાટી અને ઢેબરા બનાવી દેવોને ભોગ ધરાવે છે. ત્યારબાદ આખુ ગામ સામૂહિક ભોજન સાથે કરે છે. આસપાસના ગામના લોકો ઢોલ વાંજિત્રો સાથે વૃક્ષોની પૂજા વિધિ કરીને 10 ડાળી કાપવાની મંજૂરી માંગે છે. આ ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતી નથી. આ ડાળીઓને સાત ફેરામાં નાચતા ગાતા રમાડીને ડાંગરની પુંજ રોપીને જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગે સ્થાપવામાં આવે છે. આખી રાત કથા કરવામાં આવે છે. જેમાં આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય પણ કરે છે. વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાજતે ગાજતે નદીના પાણીમાં ડુબાડીને વિસર્જન કરવામાં આવે છે.
પુનિયાવાંટ ગામ મારી જન્મભૂમિ છે. સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. આ ઉત્સવ ગામમાં સુખાકારી અને એકતા જળવાઈ રહે અને રોગચાળો ફેલાય નહીં તે માટે ઉજવવામાં આવે છે. જેમાં દેવોની પેઢી બદલાવી તેમના લગ્ન કરાવવામાં આવે છે...નારણ રાઠવા(સાંસદ, છોટાઉદેપુર)
અમારા વિસ્તારમાં આદિ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે તે માટે પુનિયાવાંટ ગામમાં 100 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવાયો છે. આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રોમાં વાદ્ય સાથે નૃત્ય કરે છે...પદ્મ શ્રી પરેશ રાઠવા(પીઠોરાના લખારા, છોટાઉદેપુર)
અમારા ગામની એકતા, અખંડિતતા અને સહભાગિતા જળવાઈ રહે તે માટે પ્રકૃતિ સાથે જોડાયેલા તત્વોની પૂજા વિધી કરવામાં આવે છે. પ્રકૃતિના મૂળ તત્વોની પૂજા કરવી એ આદિવાસી સમાજની પરંપરા રહી છે. તે પરંપરાઓનું પાલન કરી અમે ગામલોકો ભેગા મળી ૧૦૦ વર્ષ બાદ દેવોની પેઢી બદલાવી દેવોના લગ્ન લીધા છે...પ્રોફેસર કનુ રાઠવા(સ્થાનિક, છોટાઉદેપુર)