છોટાઉદેપુરઃ જેતપુરપાવી તાલુકાના કોશિયા ગામે નજીવી બાબતમાં આરોપીએ ઉશ્કેરાઈને હત્યા કરી દીધી હતી. આ ઘટનાના 4 વર્ષ બાદ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 5000 રુપિયાનો દંડ ફટકાર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ છોટાઉદેપુરના જેતપુરપાવી તાલુકાના કોશિયા ગામે નજીવી બાબતમાં હત્યા કરી દેવાઈ હતી. જેમાં દીપસિંગ રાઠવાએ એક ખેતરમાં ઉગેલા વાંસ સાથે પોતાનો બળદ બાંધ્યો હતો. આ ખેતર ગામમાં જ રહેતા મહેશ નાયકાનું હતું. દીપસિંગ રાઠવા બળદ બાંધતો હતો ત્યારે મહેશ આવી ચઢ્યો. મહેશે દીપસિંગ સાથે બળદ બાંધવા જેવી બાબતે મોટો ઝઘડો કર્યો હતો. બેફામ અપશબ્દો બોલીને મહેશે વાતનું વતેસર કર્યુ હતું. આટલાથી સંતોષ ન થતા મહેશે દીપસિંગના માથાના પાછળના ભાગે અને કાંડા પર વાંસના ડીંગાથી હુમલો કરી દીધો. આ હુમલો જીવલેણ નિવડતા દીપસિંગ રાઠવાનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીએ મહેશ નાયકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને મહેશ નાયકાની ધરપકડ કરી હતી. 4 વર્ષ બાદ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ ચાલી જતાં કોર્ટે હત્યારાને આજીવન કેદ અને 5000 રુપિયાના દંડની સજા ફટકારી હતી.
4 વર્ષ અગાઉ જેતપુરતાવી તાલુકાના કોશિયા ગામે દીપસિંગ રાઠવાએ પોતાના ગામના મહેશ નાયકાના ખેતરમાં ઉગેલા વાંસ સાથે બળદ બાંધ્યો હતો. આ વખતે મહેશે દીપસિંગ સાથે આ બાબતે બહુ મોટો ઝઘડો કર્યો હતો. તેમજ વાંસના ડીંગાથી દીપસિંગને મરણતોલ માર માર્યો હતો. જેના પરિણામે દીપસિંગનું મૃત્યુ થયું હતું. આજે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપી મહેશ નાયકાને આજીવન કેદ અને 5000 રુપિયાનો દંડ ફટકાર્યો છે...જયપ્રકાશ પુરોહિત(સરકારી વકીલ, છોટાઉદેપુર)