છોટાઉદેપુર : લાંચ લેતા ઝડપાયેલા સર્કલ ઓફિસરને કોર્ટે 4 વર્ષ નીસજા ફટકારવામાં આવી છે. સંખેડા મામલતદાર કચેરીના નાયબ સર્કલ ઇન્સ્પેક્ટર રાકેશ જેઠા પાટીદારને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ 4 વર્ષની સજા ફટકારી હતી.
વારસાઈ નામ ઉમેરવાના હતા : ફરિયાદી સંદીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલના પિતાનું અવસાન થયું હતું અને તેમના માતાપિતાને વારસાઈ જમીન મળી હોવાથી તેઓએ તેમના પરિવારના સભ્યોના નામ વારસાઈમાં ઉમેરવા માટે સંખેડા તાલુકા સેવા સદનમાં અરજી કરી હતી. ત્યારે સર્કલ ઓફિસર રાકેશભાઈ પાટીદારને મળતાં તેમણે કહ્યું કે તમારી અટકમાં ભૂલ છે, ફરિયાદીએ તે અટકનું ગેજેટ રજૂ કર્યું હતું.
15000ની લાંચની માંગણી : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા મામલતદાર કચેરીમાં નાયબ સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ગ 3ના અધિકારી રાકેશ જેઠા પાટીદારે 18/10/2021 ના રોજ ફરિયાદી પાસેથી વરસાઈ માટે પિતાની અટકમાં ફેરફાર હોવાથી સર્કલ ઓફિસર ફરિયાદી પાસેથી વારસાઈ કરવા માટે રૂપિયા 15000ની લાંચની માંગણી કરી હતી.
લાંચિયા અધિકારીને ટ્રેપ કરવામાં આવ્યાં : જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતાં તેથી રકઝકના અંતે 14000 નક્કી થયાં હતાં. જેની જાણ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી લાંચિયા અધિકારીને ટ્રેપ કરવામાં આવ્યાં હતાં. અધિકારી જે આર ગામીતે સંખેડા સેવા સદન કચેરી ખાતે ઓડિયો વિડીયો સાથે સર્કલ ઓફિસર રાકેશ જેઠા પાટીદારને રૂપિયા 14000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં.
કોર્ટે 4 વર્ષની સજા ફટકારી : લાંચિયા અધિકારીના કેસ અંગે છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. તપાસ અધિકારી ડી. જી. રબારીએ સરકારી પંચો રૂબરૂ પંચકયાસ કરી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેન્દ્ર પરમારે ધારદાર દલીલો કરતાં ડિસ્ટ્રીક જજ ગોહિલ્ સાહેબે કલમ 7(1) હેઠળ 3 વર્ષ અને 10000 નો દંડ તથા 13(1) અને 13 (1) બી હેઠળ 4 વર્ષની સજા ફટકારી હતી અને 15000નો દંડ ફટકાર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં લાંચ લેવાના કેસમાં માત્ર બે જ વર્ષમાં કોર્ટે વર્ગ 3 અધિકારીને સજા ફટકારતા જિલ્લાના લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.