આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના રાંદેર તાડવાડી પાસે આવેલી પ્રભાતતારા સ્કુલની માન્યતા 2016માં રદ કરી દેવામાં આવી હતી. તેમ છતાં સ્કુલના ટ્રસ્ટી અને આચાર્ય દ્વારા સ્કુલ ચાલુ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શાળામાં આર્થિક લાભ માટે પ્રવેશ આપવામાં આવતો હતો. આ સમગ્ર મામલે આખરે DEOને જાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઘટનામાં રાંદેર પોલીસ મથકમાં દુર્ગા ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુબેન સુર્યદેવ સિંઘ, પ્રમુખ-અંકિત સુર્યદેવ સિંઘ તથા સ્કૂલના આચાર્યા ચૌધરી રીટાબેન ઠાકોરભાઇ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ તમામ લોકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શાળા સંચાલક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાતા વાલીઓને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓને તો શાળાની માન્યતા રદ થઈ ગઈ હોય, તે બાબતની કોઈ પણ પ્રકારની જાણ સુધા કરાઇ ન હતી. જેથી માન્યતા રદ થઈ હોવા છતાં શાળા સંચાલક અને આચાર્ય દ્વારા વાલીઓને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા.
શાળામાં જુનિયર કે.જી.થી ધોરણ 12 સુધીના અભ્યાસની સુવિધા છે. જેમાં પાંચસોથી પણ વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે હવે શાળા સંચાલક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે અને માન્યતા પણ રદ થઈ ચૂકી છે. ત્યારે વિધાર્થીઓના ભવિષ્ય સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. એક તરફ પરીક્ષાઓ નજીક છે અને શાળા સામે કાર્યવાહીથી વાલિઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાના મંદિરમાં જ વિદ્યાર્થીઓ સાથે આટલી મોટી ઠગાઈ થતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાંદેર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.