કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર શાસન કરી રહી છે. આ સરકાર સામે તમામ સંગઠનો દ્વારા પોતાનો વિરોધ બતાવવામાં આવી રહ્યો છે. ઉદ્યોગપતિઓની માનીતી બની ગયેલી સરકારને નાગરિકો દેખાતા જ નથી. કર્મચારીઓ દેખાતા નથી, સરહદ ઉપર પરિવાર છોડીને ફરજ બજાવતા સૈનિકો પણ દેખાતા નથી, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના પાટનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં માજી સૈનિકો પોતાના હક માટે એકઠા થયા હતા.
માજી સૈનિકોના સમર્થનમાં આવેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેવા ઉદ્યોગપતિઓની દરકાર રાખી રહી છે. માજી સૈનિકો દેશની સુરક્ષા પૂરી પાડીને નિવૃત્ત થયેલા સૈનિકો પોતાની માંગણીને લઇને રસ્તા ઉપર આવી રહ્યા છે, છતાં પણ તેમની માગણી ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.
ગુજરાત માજી સૈનિક સંગઠનના જીતેન્દ્ર નિમાવતએ કહ્યું કે, માજી સૈનિકને સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તેમની નોકરીનો સમય ગાળો અને ઉંમર દેશની સુરક્ષામા ફરજ દરમિયાન જ પૂરી થઈ ગઈ હોય છે. પરિણામે આ સમયગાળો દૂર કરવામાં આવી વર્ગ 1થી 4 સુધીની એક વખતે માજી સૈનિકોને અનામતનો અમલ કરવામાં આવતો નથી.
તેનો અમલ કરવામાં આવે અનામતમાં મેરીટનું ધોરણ ધ્યાનમાં લીધા વગર ફક્ત માજી સૈનિકને નિમણુંક આપવામાં આવી જોઈએ. માજી સૈનિકોએ પોતાના 18 જેટલા મુદ્દાઓને લઈને આજે સોમવારના રોજ ધરણાં પર બેઠા હતા. તેમણે કહ્યું કે આ બાબતે આજે સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે.