લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપે ફરી એક વખત જીત મેળવી છે. જેને લઈને ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પોતાના સભ્ય પદેથી રાજીનામુ આપશે. જેથી ફરી એક વખત રાજકારણ ગરમાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ ગુજરાતની ગાંધીનગર અને સ્મૃતિ ઈરાની યુપીના અમેઠીમાંથી લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ થયા છે. જેને લઈને ગુજરાતમાંથી રાજ્યસભાની 2 બેઠક ખાલી થશે. હાલ તો અમિત શાહે રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધું છે અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની બેઠક પરથી રાજીનામુ આપી દે તો બે બેઠક ખાલી પડશે. જેને લઈને પેટા ચૂટણી યોજવાની ફરજ પડી શકે તેમ છે, ત્યારે ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાઈ રહ્યું છે.
ભાજપ દ્વારે ખાલી કરવામાં આવી રહેલી બન્ને બેઠકો ફરી એક વખત જીતવા માટે 11 ધારાસભ્યો ખૂટે તેમ છે. જેને કારણે ફરી એક વખત વર્ષ 2017ની જેમ રાજકીય કાવાદાવાઓ ઘડવામાં આવી રહ્યા હોવાનું સુત્રોમાંથી વિગતો મળી રહી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના 103, કોંગ્રેસના 71, એનસીપી 02 અને જીગ્નેશ મેવાણી અપક્ષ તરીકે વિધાનસભ્ય તરીકે હાલ ચાલુ છે, ત્યારે ભાજપને રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે 11 સભ્યોના વધુ સામર્થ્યની જરૂર પડે તેમ છે. જેને લઈને ઓપરેશન રાજ્યસભા પાર્ટ ટુ શરુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના ધારાસભ્યને ખેડવવામાં ભાજપને સફળતા મળી હતી. હવે ફરી એક વખત ભાજપની રડારમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે.
ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા હતા અને કોંગ્રેસના આ ચાર જિલ્લામાંથી કોંગ્રેસના 17 જેટલા ધારાસભ્યો ચૂંટણી જંગમાં વિજય થયા હતા. લોકસભાની ચૂંટણી પહેલા તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ગેરલાયક ઠેરવાયા હતાં, ત્યારબાદ તેઓ સુપ્રિમમાં ગયાં હતાં. કોર્ટના આદેશ પ્રમાણે અહીંની પેટાચૂંટણી મોકુફ રખાઈ છે. જવાહર ચાવડા ભાજપની ટિકિટ પરથી માણાવદરના ધારાસભ્ય બની ગયા છે, ત્યારે હજુ 11 ખૂટતા ધારાસભ્યને ભાજપની તરફેણમાં કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
હાલ ભાજપ દ્વારા જૂનાગઢ અને અમરેલીના ધારાસભ્ય પર નજર ઠરીઠામ કરી હોય તેવું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લો એક સમયે ભાજપનો ગઢ હતો. જેને ભેળવામાં કોંગ્રેસને વર્ષ 2017માં સફળતા મળી હતી, ત્યારે ભાજપ ધારી અને રાજુલાના ધારાસભ્યને તેમની તરફેણમાં મત આપવા માટે ગોઠવણ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. લાઠીના વિરજી ઠુંમર, અમરેલીના પરેશ ધાનાણી, સાવરકુંડલાના પ્રતાપ દૂધાત, કોંગ્રેસના અડીખમ સભ્યો જેના પર ભાજપ નજર દોડાવી શકે તેમ ન હોય બાકી રહેલા ધારી અને રાજુલાના ધારાસભ્યો પર નજર ટેકવી રહ્યાં છે. ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા ભાજપ સાથે સારા સબંધો ધરાવે છે, તેમજ ભાજપના નેતા સાથે પારિવારિક સબંધો હોવાને કારણે તેવો ભાજપ સાથે કુણું વલણ દાખવીને ભાજપને મદદ કરી શકે તેમ હોય ભાજપ તેમના પ્રત્યે વધુ આશાવાદ ધરાવે છે.
રાજુલાના અંબરીશ ડેર તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપના કાર્યકર તરીકે કરી હતી, બાદમાં કોંગ્રેસમાં જોડાઈને રાજુલામાં પક્ષનું કામ કરીને આજે ધારાસભ્ય તરીકે સેવાઓ આપી રહ્યાં છે. ભાજપ ગોત્રના હોવાને કારણે તેમના પર નજર હોય તે સ્વાભાવિક છે, પરંતુ હિસાબથી રાજકારણ કરી રહેલા અંબરીશ ડેર હાલ ભાજપ માટે ધૂંધળી આશાનું કિરણ છે, જેમ જવાહર ચાવડાનું રાજીનામું પડ્યું તેમ કોઈ ચમત્કાર થાય તેના પર ભાજપ નજર રાખી રહ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 9 બેઠકોની વાત કરીએ તો તાલાલા બેઠક ખાલી છે. જ્યારે માણાવદર જવાહર ચાવડા કોંગ્રેસી મટીને ભાજપી થઇ ગયા છે.
જૂનાગઢ બેઠકના ભીખાભાઇ જોશી, વિસાવદરના હર્ષદ રીબડીયા, માંગરોળના બાબુભાઇ વાજા, ઉનાના પુંજાભાઈ વંશ, કોડીનારના મોહનભાઇ વાળા કોંગ્રેસ સાથે સૈનિક તરીકે આજે પણ જોડાઈ રહ્યાં છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ભાજપની સાથે જાય તો નવાઈ નહીં. લોકસભણી ચૂંટણીના સમયમાં પણ વિમલ ચુડાસમા ભાજપ સાથે જઈ રહ્યાં હતાં એવી ભારે ચર્ચાઓ જોવા મળી હતી. એક સમયે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ વિમલ ચુડાસમાને ઉમેદવાર બનાવવાની તૈયારીઓ કરી રહી હતી, ત્યારે તેમની ભાજપની સાથે નજદીકી તેમની વિરોધમાં કામ કરી ગઈ અને ટિકિટ કપાઈ ગઈ હતી.
હવે ભાજપ ફરીથી રાજ્યસભાની ચૂંટણીમાં તેમના પર ભરોસો કરીને તેમને ભાજપ તરફી કરી શકે છે. વર્ષ 2017માં રાજીનામાના સિલસિલા બાદ પણ સંખ્યાબળને કારણે કોંગ્રેસને હરાવવામાં ભાજપને નિષ્ફળતા મળી હતી, ત્યારે રાજ્યસભા પાર્ટ-2માં ભાજપ ક્રોસ વોટીંગ કરાવીને કોંગ્રેસને નુકશાન કરવાની પેરવી કરી રહી છે, પરંતુ પક્ષ દ્વારા આપવામાં આવતા મેન્ડેડની વિરુદ્ધ મતદાન કરીને ધારાસભ્ય પદ ખતરામાં મૂકીને 11 જેટલા ધારાસભ્યો ભાજપને મદદ કરી શકે તેને લઈને ટોડજોડ શરુ થઇ ગઈ છે. કુતિયાણા એનસીપીના કાંધલ જાડેજા અને બીટીપીના છોટુ વસાવા સહિત 2 ધારાસભ્યો ભાજપની વિરુદ્ધમાં મત આપી શકે છે, ત્યારે સંખ્યાબળને કારણે ફરી રાજ્યસભાની ચૂંટણી ભારે તોડજોડ વળી બની રહેશે તે ચોક્કસ છે.