ગુજરાતની 26 બેઠકો પર જીત મેળવ્યા પછી પ્રધાનમંડળમાં સમાવેશ અંગે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી હતી. આજે સાંજે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહ સાથે દરેક ગુજરાતીની આતૂરતાનો અંત આવ્યો છે. મોદીના પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે અમિત શાહે મોદી અને રાજનાથ પછી ત્રીજા ક્રંમાકે શપથગ્રહણ કર્યા હતા. તો રાજયકક્ષાના પ્રધાન તરીકે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા હતા.
ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ચૂંટણી લડી અમિત શાહ જંગી મતોથી જીત્યા છે. તો હવે સરકારમાં શાહને કયુ મહત્વનું ખાતુ સોંપવામાં આવે છે તેના ઉપર દરેકની મીટ મંડાયેલી છે. તો મનસુખ માંડવિયા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. રાજ્યસભાના સાંસદ રહેલા માંડવિયા હવે લોકસભામાં જશે. આ ઉપરાંત માંડવિયા કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગ હવાલો પણ સંભાળી ચુકેલા છે.
જ્યારે પુરુષોત્તમ રુપાલા એ પણ પંચાયતી રાજ ઉપરાંત કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કામ કરેલુ છે. તેમજ રુપાલા પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ત્યારે ગુજરાતને મળેલા આ ત્રણ પ્રધાનને કયુ ખાતુ સોંપવામાં આવે છે તે જોવુ રહ્યુ.