અદાણી સમુહ દ્વારા સંચાલિત હોસ્પિટલ દ્વારા પ્રથમ વખત ગંભીર બિમારી વિશે જણાવાયું છે કે, જી.કે. જનરલમાં છેલ્લાં 16 વર્ષથી કાન,નાક અને ગળા(ENT) વિભાગમાં ફરજ બજાવતા ડૉ. નરેન્દ્ર હિરાણીએ તેમની નિયત કામગીરી દરમિયાન 1 હજારથી વધુ ગળાના અને મોઢાના સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવનદાન આપ્યું છે. તેમણે સરેરાશ પ્રતિ છ દિવસે કેન્સરનું એક ઓપરેશન કર્યું છે.
ડૉ. નરેન્દ્ર હિરાણીનાં જણાવ્યા અનુસાર, મોઢાના અને ગળાના ઓપરેશન ત્રણ હેતુથી કરવામાં આવે છે. પ્રથમ કેન્સરની નાબુદી, જેમાં કેન્સરગ્રસ્ત વિસ્તારનો આજુ-બાજુનો એક સેન્ટીમીટરનો ભાગ કાઢી નાખવામાં આવે છે. બીજું ગળામાં ગાંઠરૂપે કેન્સર ક્યા સુધી ફેલાયેલું છે તે ચકાસી દૂર કરવામાં આવે છે અને છેલ્લે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે ભાગની સર્જરી કરવામાં આવે છે.
આ ઉપરાંત સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર હોય તો તે પણ દૂર કરવામાં આવે છે. પરંતુ ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. મોઢા અને ગળાના કેન્સરનું સમયસર નિદાન કરવા માટે દર્દીને ગળામાં ગાંઠ હોય, ચામડી હોય જે દવાથી મહિના સુધી મટતુ નથી. ઉપરાંત સફેદ અને લાલ ડાઘ જે સારવારને પ્રતિસાદ ન આપે અને અવાજ ખરાબ થઇ જાય તેમજ ખાવામાં તકલીફ પડે સાથે ગળામાં દુખાવો રહે તો એ કેન્સર હોઈ શકે છે.
ભારતમાં કુલ કેન્સર પૈકી 30 ટકા કેન્સર આ પ્રકારના હોય છે. મોઢાના કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે તમાકુ, ધુમ્રપાન વિગેરે જેવા વ્યસનો છે. કેન્સરનાં સ્ટેજ ઓપરેશન અંગે ડૉ. હિરાણીએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી અને કિમોથેરાપી મુખ્ય સારવાર છે. કેન્સરના ચાર સ્ટેજ હોય છે. પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરી અને રેડિયોથેરાપી સારવાર જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી અને રેડિયોથેરાપી બંને સારવાર આપવી પડે છે. મહત્વનું છે કે, ડો. હિરાણીએ આ તમામ પ્રકારના ઓપરેશન કર્યા છે.