- આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચારનો હાલ ચાલી રહ્યો છે ધમધમાટ
- ગઢડા બેઠક પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કર્યો પ્રચાર
- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, વિભાવરી દવે, ગઢડા નગરપાલિકા પ્રમુખ સહિતનાઓ રહ્યા હાજર
બોટાદઃ ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે હાલ પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે શુક્રવારે ગઢડા બેઠક પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પ્રચાર કર્યો હતો. ગઢડા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાષ્ટીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, વિભાવરી દવે, ગઢડા નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન હાજર રહ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ ભાજપને મત આપવા કર્યુ આહવાન
સ્મૃતિ ઈરાનીએ જાહેર સભા સંબોધતા જણાવ્યું કે, નવરાત્રિમાં આપણે બધા માતાના ચરણોમાં વંદન કરતા હોઈએ છીએ. દેશમાં ભારતીય જનતા પાર્ટી પહેલી એવી પાર્ટી છે, કે જેણે મહિલાઓને 33 ટકા ભાગ આપ્યો. પ્રથમ નાગરિક મહિલા, સાંસદ મહિલા અને મંત્રી પણ મહિલા ત્યારે અમે બધા આજે એક ભાઈ માટે આવ્યા છીએ એટલે બહેન જો માંગે તો ભાઈઓ તેને ખાલી હાથ ન જાવા દે. તેમણે વધુમાં જણાવ્યું કે, 3 તારીખના રોજ કમળનું બટન દબાવી ભાજપના ઉમેદવારને વિજય બનાવો.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ 70 વર્ષ સુધી શૌચાલય ન બનાવી શકી, તે કોંગ્રેસ ગઢડા અને ગુજરાત માટે શું વિકાસ કરી શકશે. વિકાસ જે થયો તે ગાંધી પરિવારમાં થયો, જે મહિલાઓ સશક્ત થઇ તે ગાંધી પરિવારની મહિલાઓ થઈ. આજે દેશમાં 40 કરોડ લોકોના બેંકમાં ખાતા ખુલ્યા છે. ગરીબ મહિલાઓના ખાતામાં કોરોનાના સમયે 3 હજાર રૂપિયા નાખ્યા છે. કોંગ્રેસે ખેડૂતો માટે એક પણ વચન પૂરું કર્યું નથી, માત્ર વાયદાઓ જ કર્યા છે. દેશમાં પહેલી વાર કિશાન સન્માન નિધિ વડાપ્રધાન મોદીએ શરૂ કરી અને ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યા છે. પેટા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જન સમર્થન મળી રહ્યું છે. તેમજ સ્મૃતિ ઈરાનીએ નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી હતી.