- કોરોનાને કારણે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો બંધ
- આગામી 27 એપ્રિલના રોજ છે હનુમાન જયંતી
- મંદિરના પૂજારીઓ દ્વારા પૂજાવિધી તેમજ અન્નકૂટ યોજાશે
સાળંગપુર: સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતી મહોત્સવની ઉજવણી કરાશે નહિ. વધતા જતા કોરોના સક્રમણને પગલે મંદિર વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હનુમાન જ્યંતીના દિવસે માત્ર ને માત્ર સંતો અને મહંતો દ્વારા પૂજા વિધિ કરવામાં આવશે. હરિભક્તો ઓનલાઇન માધ્યમથી હનુમાનજીના દર્શન કરી શકશે.
ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ થયો હતો હનુમાનજીનો જન્મ
હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ થયો હતો. જેના કારણે આ તિથીના દિવસે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે. સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આગવુ મહત્વ ધરાવતું હોવાથી દર વર્ષે હનુમાન જયંતીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે તમામ તીર્થસ્થાનો બંધ હોવાથી આ વર્ષે કષ્ટભંજન મંદિરના સત્તાધીશો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર મંદિરના સંતો અને મહંતો મંદિરમાં પૂજાવિધિ કરશે તેમજ અન્નકૂટ અને અભિષેક યોજશે અને હરિભક્તો માટે મંદિર વિભાગ દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.