બોટાદઃ છેલ્લા 7 મહિનાથી ટ્યૂશન ક્લાસીસ બંધ રહેતા સંચાલકો માથે હાથ રાખીને બેસી રહ્યા છે. આવકનો સ્ત્રોત બંધ થઈ જતા તેઓને ખોટનો સામનો કરવો પડ્યો છે. બોટાદમાં ટ્યૂશન ક્લાસીસના સંચાલક ઓનલાઈન ક્લાસ પૂર્ણ કરી હવે નાસ્તાની દુકાને જાય છે. તેમની પત્ની પણ તેમને આમાં સાથ સહકાર આપી રહી છે.
બોટાદ શહેરમાં ટ્યૂશન કલાસીસમાં સારું નામ ધરાવતા ઓમ ગૃપ ટ્યૂશન ક્લાસીસના સંચાલક ચિંતન ઉપાધ્યાયે કોરોનાના કારણે શૈક્ષણિક કાર્યો બંધ હોવાથી મુશ્કેલીમાં મૂકાયા હતા. ટ્યૂશન ક્લાસીસના ખર્ચ અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે નાસ્તાની દુકાન શરૂ કરી છે. અત્યારે 5 દુકાનો ભાડે રાખી અને નાસ્તાના ધંધા સાથે જોડાઈ ગયા છે. તેઓ આ ધંધાના કારણે આત્મનિર્ભર બન્યા છે.
અનલૉકમાં પણ શૈક્ષણિક કાર્યો હજી બંધ છે. આથી ટ્યૂશન સંચાલકોની પણ હાલત કફોડી બની છે. બોટાદનું ઓમ ગૃપ ટ્યૂશન ક્લાસીસ લૉકડાઉન પહેલા વિદ્યાર્થીઓથી ભરેલું રહેતું હતું, પરંતુ લૉકડાઉન બાદ અત્યારે ક્લાસીસ બંધ હોવાથી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદના ઓમ ગૃપ ટ્યૂશન કલાસીસના સંચાલક એવા ચિંતન ઉપાધ્યાય કે, જેણે હિંમત ન હારી અને આજે નાસ્તાની દુકાનો શરૂ કરી છે અને એ પણ એક બે નહીં 5 દુકાનો શરૂ કરી છે અને આજે તેઓ આત્મનિર્ભર બન્યા છે.
ચિંતન ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષથી બોટાદ જિલ્લામાં ક્લાસીસ ચલાવી રહ્યા છે. છેલ્લા 7 મહિનાથી મારા કલાસીસ સપૂર્ણ બંધ છે આથી મારી આવક શૂન્ય છે. તેની સામે કલાસીસના ભાડા, શિક્ષકોના પગાર, ઘરખર્ચ, હોમ લોનના હપ્તા આ બધું તો મારી સામે ઊભું જ હતું. કુટુંબીજનોની હિંમતથી નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો. એટલે વધેલી બચતથી મેં નાસ્તાની દુકાન શરૂ કરવાનો નિર્ણય કર્યો. કારણ કે તેમાં ખર્ચ ખૂબ જ ઓછો હતો. સવારે ઓનલાઈન અભ્યાસ કરાવી બાકીનો સમય નાસ્તાની દુકાનમાં પસાર કરું છું. મહેનત અને સંઘર્ષ કર્યા પછી આજે મારી પાસે 5 દુકાનો ભાડા પર છે, જેમાં પાંઉભાજી, ચાઈનીઝ, ઢોંસા, ફાસ્ટ ફૂડ અને આઈસ્ક્રિમ પાર્લરનો સમાવેશ થાય છે.