- બોટાદ જિલ્લાના ગઢડા શહેરના પ્રવેશદ્વાર પર બનેલો પૂલ ખખડધજ
- દોઢ વર્ષ પહેલા જ બનેલો પૂલની હાલત જર્જરિત થતા ભ્રષ્ટાચારનો આક્ષેપ
- પૂલમાં ખાડા પડી જતા સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ
બોટાદઃ જિલ્લાના ગઢડા શહેરમાં પ્રવેશદ્વાર પર ઘેલો નદી પર દોઢ વર્ષ પહેલા જ પૂલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આટલા જ સમયમાં આ પૂલ જર્જરિત થઈ જતા સ્થાનિકોએ આ પૂલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે, જે રીતે પૂલમં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે આનાથી સ્પષ્ટ થાય છે કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી બનેલા આ પૂલમાં ભ્રષ્ટાચાર થયો છે.
પૂલ બનાવવામાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરતા અકસ્માતની ભીતિ
સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે, શહેરના કોન્ટ્રાક્ટર પોતાના મૂલ્યો ભૂલીને કામ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પૂલમાંથી પસાર થતા હોઈએ તો કોઈ ઉબડ ખાબડ ડુંગરોમાંથી પસાર થતા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. આ પૂલમાં મોટા ખાડા પડી ગયા છે. તેમ જ લોખંડની રેલિંગ પણ તદ્દન હલકી ગુણવત્તાની હોવાથી ગમખ્વાર અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે. આ પૂલના ખાડાઓ જાણે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હવે લાંબા સમય માટે જાળવણીની શરતે ખાનગી કોન્ટ્રકટરોને કામ આપવામાં આવે છે, જેના કારણે લોકોને ગુણવતાવાળું કામ મળે પરંતુ ગુણવતાસભર કામ માત્ર કાગળો પર જ થતું હોય તેમ લાગે છે. આ પ્રમાણે પૂલ ટૂંક સમયમાં જ ખાડા પૂલ બની ગયો છે તે જોતા અંદાજ લગાવી જ શકાય છે કે પૂલના કામમાં કેવો ભ્રષ્ટાચાર થયો હશે.
રાહદારીઓ અને વાહનચાલકોને પડી રહી છે હાલાકી
આ પૂલ ગઢડા શહેર અને ભાવનગર ઢસા રાજકોટને જોડતો મુખ્ય રસ્તા ઉપર આવેલો હોવાથી રોજબરોજ હજારો વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે ગઢડામા પ્રવેશ કરતાની સાથે જ કેવી છાપ લઈને જતા હશે તેવો સવાલ ઊઠી રહ્યો છે. આ પૂલ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પૂલના ખાડાના કારણે તોબા પોકારી ઊઠ્યા છે. ત્યારે આ ખખડધજ પૂલને લઈને લોકોને ડર પણ લાગી રહ્યો છે. ત્યારે હવે સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર દ્વારા આ પૂલ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવે.