સોશિયલ મીડિયામાં વાઇરલ વિડીયોને લઈ ગઢડા શહેરના લોકોએ સજ્જડ બંધ પાળ્યું - સ્વામિનારાયણ
ગોપીનાથજી મંદિરના દેવપક્ષનાં સાધુ ભાનુપ્રકાશ સ્વામીનો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેસા વીડિયોને લઈ ગઢડા શહેરના લોકોએ સજ્જડ બંધ પાળ્યું હતું. ગઢડાના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ ગામ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇરલ વીડિયોમાં સાધુ ભાનુપ્રકાશ સ્વામી ગઢડાને તીર્થ મૂડીયું ગ્રામ્યજનો રોષે ભરાયા હતા.
- વાઇરલ વિડીયોને લઈ વિવાદ સર્જાયો
- ગઢડા શહેરને કહ્યું 'તીર્થ મૂડીયું' ગામ
- સાધુ ભાનુંપ્રકાશ પ્રત્યે જોવા મળ્યો રોષ
બોટાદ: ગઢડા શહેર કે જ્યાં ખુદ સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ રહ્યા હતાં અને 'હું ગઢડાનો અને ગઢડા મારુ' તેમ કહેતાં. અહીંયા ભગવાન ગોપીનાથજીનું સુપ્રસિધ્ધ મંદિર આવેલું છે. ગત ઘણા સમયથી આ મંદિર સતત વિવાદોમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ફરી પાછું ગઢડા મંદિરમાં દેવપક્ષ સાધુ ભાનુંપ્રકાશ સ્વામીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે.
નાના મોટા વેપાર ધંધા તેમજ લારી ગલ્લાઓ સહિતની દુકાનો બંધ રાખવામાં આવી
વીડિયોમાં સાધુ ભાનુપ્રકાશ સ્વામી ગઢડાને 'તીર્થ મૂડીયું' ગામ કહે છે અને ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ વાઇરલ વીડિયોને લઈ વિવાદ સર્જાયો છે. જેથી ગઢડા શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે શનિવારે ગઢડાના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ ગામ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગઢડાના નાના મોટા વેપાર ધંધા તેમજ લારી ગલ્લાઓ સહિતની દુકાનો બંધ રહી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જરૂર પડે તો આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો કરીશું.