- પાળીયાદમાં શોભાયાત્રાનું આયોજન
- 300 માણસો ભેગા થયા
- પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
બોટાદ: સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ ધાર્મિક તહેવારોની ઉજવણીઓ, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પગ યાત્રિકો માટેના સેવા કેમ્પ, તાજીયા, ઝુલુસો તથા વિસર્જનયાત્રા, સરઘસ, સત્કાર સમારંભ જેવી પ્રવૃતિઓ જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે રહેતા પ્રવીણભાઈ આલજીભાઈ હેરંભાએ જાહેરમાં બેદરકારીભર્યું કૃત્ય કરી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.
શોભાયાત્રામાં 250થી 300 માણસો ભેગા થયા
ગત્ત 24 નવેમ્બરે સાંજે યોજાયેલી આ શોભાયાત્રામાં 250થી 300 જેટલા માણસો ભેગા થયા હતા. લીંડીયા નદીના પુલ પાસે બેન્ડવાજા વગાડી સામેલ માણસોએ 2 ફૂટની દૂરી સાથેનું અંતર પણ જાળવ્યું ન હતું. જેથી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એસ.કે બાવળિયાએ આયોજક પ્રવીણભાઈ આલજીભાઈ હેરંભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.