બોટાદ: સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે 200 વર્ષ જુની પરંપરા જાળવી રાખતા ભવ્યાતિભવ્ય શાકોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો ભાવિકો દર્શન પ્રસાદ માટે ઉમટી પડ્યા હતા.

20 હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો લાભ લીધો: સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવમાં 20 હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો લાભ લીધો હતો. તો 200 વર્ષ જૂની આ પરંપરાને લઈ આ ઉત્સવમાં આવનાર હરિભક્તોએ આખા રીંગણાંનું શાક તેમજ બાજરાના રોટલાના આ પ્રસાદને ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સંતો તેમજ હરિભક્તો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: શિયાળામાં સ્વામિનારાયણ ભગવાને માણી લીલા શાકભાજીની મોજ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
200 વર્ષ જૂની પરંપરા: લોયા સ્વામિનારાયણ ધામ ખાતે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન દ્વારા આખા રીંગણાનું શાક તેમજ બાજરાના રોટલા બનાવેલ હતા. 200 વર્ષ જૂની આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં શાકોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ સંતો આ ઉત્સવનો લાભ લેતા હોય છે, ત્યારે આજે તારીખ 28 જાન્યુઆરી 2023 ના રોજ વિશેષ શનિવાર નિમિત્તે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.

વિશેષ શાકોનો શણગાર: કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પણ વિશેષ શાકોનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાના દર્શન કરવા આવનારા ભક્તો દાદાના અલોકિક મુદ્રામાં દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવતા હોય છે.
આ પણ વાંચો: Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો
500 જેટલા સંતો-હરિભક્તો દ્વારા રસોઈ બનાવાઈ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સુખદેવ સ્વામીએ માહિતી આપી હતી કે ઉત્સવમાં આશરે 20 હજાર હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. જેમાં સાળંગપુર મંદિર વિભાગ દ્વારા 100 મણ જેટલા રીંગણાના શાકનો ઉપયોગ કરેલ તેમજ 75 મણ બાજરાનો લોટ તેમજ આશરે 500 જેટલા મહિલાઓ પુરુષો અને સંતો હરિભક્તો દ્વારા આ ઉત્સવની ભાવ સાથે રસોઈ બનાવી હતી. અને કહેવાય છે તેમ ભોજનમાં ભાવ ભેળવી અને આ રસોઈને પ્રસાદ બનાવી દીધેલ જે પ્રસાદને સંતો સહિત 20 હજારથી પણ વધુ હરિભક્તો દ્વારા આરોગી અને ધન્યતા સાથે આનંદની લાગણી અનુભવી હતી.