બોટાદ : સાળંગપુરમાં દશનાર્થીઓની મોટી ભીડ ઉમટતી હોય છે. ત્યારે મૂર્તિના ચાલતા વિવાદને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સવારમાં થોડી કલાકો સુધી કષ્ટભંજન દેવના પટાંગણમાં જવાના દરેક દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોએથી આવેલા દર્શનાર્થી હેરાન પરેશાન થયા હતા.
ફરિયાદીએ વિડિયો થકી જાણકારી આપી : બોટાદના સાળંગપુર ભીત ચિત્રો ઉપર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરીયાદીએ વિડિયો બનાવી ખુલાસો કરતા વિડીયો વાયરલ કર્યો છે. જેમાં ફરીયાદી ભુપત સાદુળભાઈ ખાંચરે ખુલાસો કર્યો છે કે, હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીત ચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડ્યુટી ત્યાં ગેટ પર હતી. બનાવ બન્યાં બાદ થોડીવાર પછી મને સાળંગપુરની ઓફિસમાં બોલાવી પુછવામાં આવ્યું હતું કે, તમે ગેટ પર હતા. મેં હા કહ્યા બાદ ઓફિસમાંથી એક કાગળ ઉપર સહિ કરાવી હતી. સોશિયલ મીડીયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે. મને મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે. જેથી હું આ વિડીયો મારફત ખુલાસો કરુ છું કે, મને ખબર નથી કે ફરિયાદી મને શા માટે બનાવવામાં આવ્યો છે. આ વિડીયો કોઈના દબાણ વગર હું સ્વયં વિડીયો મારફતે ખુલાસો કરૂ છું. કારણ કે ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું.
બોટાદ DSP નું નિવેદન : હર્ષદ ગઢવી કેસમાં ફરિયાદીનો વિડીયો વાયરલ થયા બાદ સવાલો ઉભા થઇ રહ્યા છે. બોટાદ ડીએસપી કે.એસ.બાળોલીયાએ ટેલિફોનિક વાતચિતથી જણાવ્યું હતું કે, વિડીયો વાયરલ થયો છે અને ફરિયાદી એવું કહેતો હોય તો અમે તેને બોલાવશું અને તેનું ફરી નિવેદન લેવામાં આવશે. જો કે આ પોલીસ ફરિયાદ છે આમનામ કોઈ FIR નોંધાઇ જાય નહીં. અમે બોલાવશું ફરિયાદીને બાદમાં વધું માહિતી આપીશું.
કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંત ચિત્રોનો વિવાદ વધતાં તેેને એક શખ્સ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેને લઈને કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ છે. બે SRPની ટુકડી, 5 DYSP, 10 PI, 8 PSI, 275 પોલીસ અને 115 GRD અને હોમગાર્ડ બે શિફ્ટમાં ગોઠવવામાં આવ્યા છે.
ત્રણેય આરોપીના જામીન મંજૂર: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ચિત્રો પર કાળો કલર અને તોડફોડ કરવાના આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીના બરવાળા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
"અમે સવારના ચાર કલાકના નીકળ્યા છીએ. ત્યારે અહીંયા પાંચ નંબરના ગેટ પાસે ઊભા છીએ. અમને જવા દેવામાં આવતા નથી. બીજા અને ત્રીજા નંબરના ગેટે જાવ તેવું કહેવામાં આવે છે. દરેક જગ્યાએ એક જ સમજણ આપવામાં આવી રહી છે. દર્શનાર્થી માટે પ્રોપર ગાઈડ લાઈન હોવી જોઈએ અને દર્શનાર્થીઓને દાદાના દર્શન થાય અને સુરક્ષા મુજબ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. - કલપેશ પટેલ, દર્શનાર્થી
ભીતચિત્ર પર હુમલો કરનાર સામે ફરિયાદ: સાળંગપુર ખાતે 54 ફૂટની મૂર્તિ નીચે ભીતચિત્ર ઉપર કાળો કલર લગાવીને કુહાડી વડે નુકસાન કરનાર શખ્સ સહિત અન્ય બે સામે બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સાળંગપુરના સિક્યુરિટી ગાર્ડ ભુપત ખાચર દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હર્ષદ જીલુભાઈ ગઢવી, જેસીંગ ઉર્ફે જંગો ઘુઘાભાઈ ભરવાડ તેમજ બળદેવ સતાભાઇ ભરવાડ ત્રણેય ચાણકી ગામના રેહવાસીએ કાવતરું રચી મંદિરના પટાંગણમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને મૂર્તિ નીચેની છબીઓને નુકસાન કર્યું હતું.
સર્વસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાના ભાગ છે. આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે એટલે અહીં બિરાજમાન કષ્ટભંજન દેવના ચરણમાં પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ અને રાજકીય આગેવાન અને સત્સંગના અગ્રણી સાથે ચર્ચા વિચારણા બાદ સંતો સમિતિની રચના કરાય છે, જે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય કરશે અને આપણા સનાતન હિંદુ ધર્મના હિતનો નિર્ણય થશે તેવા કષ્ટભંજન દેવના ચરણમાં અમને દ્રઢ વિશ્વાસ છે. - સંત વલ્લભદાસજી સ્વામી
બંને પક્ષના સંતોની બેઠકો મળી : અમદાવાદ ખાતે સાધુ સંતોની એક બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ત્યાગ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે બપોર બાદ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસ અને વડતાલ હેઠળના જુના મંદિરના સાધુ સંતોની એક બેઠક મળી હતી. બપોરે ચાર કલાકે યોજાયેલી બેઠકમાં આચાર્ય પક્ષ, દેવપક્ષ અને બીએપીએસના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જો કે ચાર કલાકથી વધુ ચાલેલી બેઠકના અંતે નિર્ણય તો નથી થયો પરંતુ માત્ર એક સમિતિની રચના કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી. જે સમિતિ આગામી દિવસોમાં નિર્ણય કરશે. પરંતુ સંત વલ્લભદાસજીએ જાહેરાત સમયે બોલેલા શબ્દ પ્રમાણે આંકલન થાય તો સનાતન ધર્મના હિતમાં શબ્દનો પ્રયોગ સુખદ અંત તરફ આવે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેેખાઈ રહ્યું છે.