રોહીશાળા ગામમાં સ્વ-જલધારા યોજના હેઠળ 23 લાખના ખર્ચે ઓવરહેડ પાણીની ટાંકી બનાવાઈ હતી. પણ તંત્ર દ્વારા આ ટાંકીનો કોઈ ઉપયોગ કરાયો નથી. તેમજ પાઇપલાઈનની પણ કોઈ કામગીરી કરાઈ નથી. જેથી ગામના લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે.
તો બીજી તરફ આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલી રહી છે. ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કાર્યો કરાયા નહોતા. જેથી ગ્રામજનો ગંભીર બીમારીઓના ભોગ બન્યાં હતાં. વળી, જો કોઈ સારવાર માટે જાય તો દવાખાનું મોટાભાગે બંધ જોવા મળે છે. જેથી ગ્રામજનોને પૈસા ખર્ચી ગામથી દૂર શહેરમાં સારવાર માટે જવું પડે છે.
આ ઉપરાંત રોડની સમસ્યા ગ્રામજનો માટે માથાનો દુઃખાવો બની છે. ગામમાં આવેલાં ચમકપર રોડની કામગીરી થોડા સમય પહેલાં જ કરાઈ હતી. આજે આ રોડ સાવ ખખડેલી હાલતમાં છે. જેથી રોડ એસ્ટીમેન્ટ પ્રમાણે બન્યો ન હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો કરી રહ્યાં છે. રોડની બનાવટમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી છે, તો કોઈ રોડનું ખોદકામ કરીને તેને ખુલ્લો મૂકી રાખવામાં આવ્યો છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
ગામમાં સફાઈકામ અંગે પણ કોઈ તસ્દી લેવામાં આવતી નથી. રસ્તાઓ પર ગંદકીના થર જામી ગયા છે. જેથી વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી થાય છે. વળી, પીવાના પાણીની ટાંકી પણ સમયસર સાફ કરવામાં આવતી નથી. આમ, ગામમાં પ્રાથમિક સુવિધાઓ સમયસર મળતાં ગ્રામજનો સરાકરી અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ અંગે ગ્રામજનોએ ધારાસભ્ય, કલેક્ટર, DDO, કાર્યપાલક ઈજનેર અને સરપંચને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનો તાત્કાલિક ધોરણે સમસ્યાના નિકાલની માગ કરી રહ્યાં છે, અને જો વહેલી તકે તેમની માગ પૂરી નહીં થાય, તો તંત્ર વિરૂધ્ધ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.