- 44માંથી 40 બેઠક પર ભાજપનો થયો છે વિજય
- ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સ ભુલાઈ ગયું
- વિકાસના કામો કરવામાં આવશે
બોટાદ: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ નગરપાલિકાની કુલ 44 સીટોમાંથી 40 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. તો બરવાળા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 21 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. જે વિજય બાદ આજે રવિવારે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સર્વ સંમતિ અને બહુમતી સાથે બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજશ્રી વોરા તેમજ ઉપપ્રમુખ તરીકે કિશોર ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમજ બરવાળા નગરપાલિકામાં પ્રમુખ તરીકે દક્ષા બાવળિયા તેમજ ઉપપ્રમુખ તરીકે બળવંતસિંહ મોરીના નામની જાહેરાત કરવામાં આવી છે. જે નામોને હાજર તમામ અને કોર્પોરેટરો દ્વારા વધાવીને નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ આપી હતી.
આ પણ વાંચો : ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
શુભેચ્છા આપતા સમયે ભાજપના આગેવાનો સોશિયલ ડીસ્ટન્સનું ભાન ભુલ્યાં
બોટાદ નગરપાલિકાના પ્રમુખની વરણી સમયે શુભેચ્છા આપતા સમયે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહમાં ભાન ભૂલી ગયા હતા અને સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જો આવી જ રીતે નેતાઓ ભાન ભૂલશે તો કોરોનાના કેસોમાં સતત વધારો આવશે તે ચોકસ છે. જેને લઈને નવ નિયુક્ત પ્રમુખ રાજશ્રીએ સોશિયલ ડીસ્ટન્સ મામલે જણાવ્યું હતું કે, ઉત્સાહમાં સોશિયલ ડીસ્ટન્સનું ભાન ભૂલાય ગયું છે પણ માસ્ક બધાએ પહેર્યા હતા.
આ પણ વાંચો : જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી