બોટાદઃ કોરોના વાયરસને લઈને સરકારના આદેશ મુજબ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાત્રિના સમયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુ તેમજ કરિયાણા, દૂધ, શાકભાજી, મેડિકલ સ્ટોર તથા હોસ્પિટલ સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખવા જાહેરનામામાં જણાવાયું છે.
જાહેરનામાં અંગે બોટાદ જિલ્લા એસપી હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ ૩૧મી માર્ચ સુધી બોટાદ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવશે. તેમજ શાકભાજી-દૂધ માટે તેમજ અનાજ કરિયાણા માટે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે તેમજ મેડીકલ સ્ટોર અને આરોગ્યને લગતી સેવા નિયમિત રીતે ખુલ્લી રાખવામાં આવશે.
હાલમાં કોરોના વાયરસને લઈને મહામારી સર્જાઇ છે. આ રોગ લોકોમાં ન ફેલાય તેવા કારણોસર આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે-સાથે 144ની કલમ પણ લાગુ કરવામાં આવી છે. જેથી ચાર કે તેથી વધુ લોકોએ એકી સાથે ભેગા થવા સામે પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
જાહેરનામાં અંતર્ગત જિલ્લા એસપી હર્ષદ મહેતા દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.