બોટાદ : બોટાદ જિલ્લા પોલીસે જિલ્લામાં મહિલાઓની સુરક્ષાને લઇને મહત્ત્વની તાલીમ આપવાનો નવતર અભિગમ હાથ ધર્યો હતો. બોટાદ પોલીસે આયોજિત કરેલા રાયફલ શૂટિંગ કેમ્પમાં 195 જેટલી મહિલાઓને રાયફલ ચલાવવાની તાલીમ આપવામાં આવી. તેમાં વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે. બોટાદ પોલીસના આ પગલાંને વખાણવામાં આવ્યું હતું.
આત્મવિશ્વાસ કેળવાયો : સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને દીકરીઓ માટે રાયફલ શૂટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દીકરીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ થકી મહિલાઓ અને દીકરીઓમાં આત્મવિશ્વાસ કેળવાયો તથા સેલ્ફ ડીફેન્સની તાલીમ સાથે હિંમત અને આત્મવિશ્વાસના ગુણોનું પણ સિંચન થયું હોવાનું તાલીમાર્થીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ
કોચ દ્વારા શૂટિંગની તાલીમ : તાલીમ કાર્યક્રમ વિશે માહિતી આપતા બોટાદના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદે જણાવ્યું હતું કે, “સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને દીકરીઓ માટે રાયફલ શૂટિંગ કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 195 જેટલી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓએ કોચ દ્વારા રાયફલ શૂટિંગની તાલીમ લઇ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દીકરીઓના મંતવ્યો : 10માં ધોરણની બોર્ડની પરીક્ષાનું પેપર આપ્યા બાદ રાયફલ શૂટિંગ શીખવા આવેલી યશ્વીએ આનંદપૂર્વક જણાવ્યું હતું કે, આ અનુભવ મારા માટે યાદગાર બની રહેશે. કોચના માર્ગદર્શનથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા થયેલું આ અનોખું આયોજન મારા જેવી અનેક દીકરીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું સુરતમાં ઉદ્ઘાટન
સુંદર આયોજન : પ્રથમ વખત રાયફલ જોઇ હોય તેવી દિકરી મૈત્રીએ કહ્યું હતું કે, “સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ પોલીસ દ્વારા રાયફલ શૂટિંગનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં કોચ અને ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ મારી હિંમત વધારી અને મને રાયફલ ચલાવવાની તાલીમ મળી છે.
પહેલાં ડર લાગ્યો : ગુંજન નામની વિદ્યાર્થિનીએ કહ્યું કે પહેલા તો મને રાયફલ ઉપાડતા પણ ડર લાગતો હતો, પરંતુ અધિકારીઓના માર્ગદર્શન બાદ મેં 10 રાઉન્ડ ફાયરિંગ કરી નિશાન તાક્યું હતું. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી નાની એવી ગુંજનએ પણ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા રાયફલ શૂટિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુંજન જણાવ્યું કે આ પ્રકારના આયોજનથી મારૂં મનોબળ તો વધ્યું જ સાથેસાથે મને કંઇ નવું શીખવા પણ મળ્યું છે.
બોટાદ પોલીસની ટીમ : સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે યોજાયેલા આ રાયફલ શૂટિંગ તાલીમ કાર્યક્રમમાં જીજ્ઞેશભાઈ, નિલેષસિંહ રાઠોડ, મુકેશભાઈ ઝાપડીયા સહિતના ટ્રેનરો તેમજ આર.પી.આઈ. ચુડાસમા દ્વારા કિશોરીઓ તેમજ મહિલાઓને માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં.