બોટાદ: જિલ્લાના ગઢડા ગામમાં ડોક્ટરે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી હતી અને આ મહીલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ગઢડાના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસુતિની પીડા થતા ગઢડા 108નો સંપર્ક સાધ્યો હતો.
ગણતરીના સમયમાં જ 108 ત્યાં પહોંચી ગઈ હતી. સગર્ભાની પ્રાથમિક તપાસ કરતા પીડા થતી હોવાથી 108 ના ફરજ પરના ડો. મહેશ બારૈયા અને પાઈલોટ યુનુસભાઈ સૈયદ પળભરનો પણ વિલંભ કર્યા વગર સગર્ભાને 108 માં લઈ જરૂરી પ્રાથમિક સારવાર આપી જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના રિપોર્ટ જોતા બે બાળકો હોય તેવું લાગતું હતું. મહિલાને પ્રસુતિની પીડા વધારે થતા 108 સાઈડમાં ઉભી રાખી હતી. બંને જોડીયા બાળકોની સફળ ડિલિવરી કરાવી હતી.
બીજા બાળકની તબિયત નાતંદુરસ્ત જણાતા 108 ના ડો. મહેશ બારૈયાએ જરૂરી ઓક્સિજન અને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતા બાળક નોર્મલ થયુ હતું. ત્યારબાદ માતા અને બન્ને બાળકોને બોટાદની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના કુશળ આયોજનથી 108 સેવા થકી હજારો લોકોના જીવ બચી રહયા છે.