બોટાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામા પહેલાં તબક્કામાં એક મોબાઇલ પશુ દવાખાનાને ફાળવવામાં આવેલ છે. જેનું લોકાર્પણ ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે પછીના તબક્કામાં કુલ 9 મોબાઇલ પશુ દવાખાના પણ ફાળવવા આવશે.

ઉર્જા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાની મદદથી પશુઓની સારવાર કરવામાં આવશે તેમાં ગામના લોકોએ પણ પૂરતો સહયોગ આપવાનો રહેશે. 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા પ્રથમ તબક્કામાં બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે શરૂ કરવામાં આવી. જેના અંતર્ગત 1962 ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે. તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે.

પ્રારંભિક તબક્કામાં બોટાદ જિલ્લામાં પશુદવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવશે. આગામી દિવસોમાં બોટાદ જિલ્લામાં બાકીના તાલુકામાં શરૂ કરી પશુઓને ઘેરબેઠા આરોગ્ય સંભાળ આપવામાં આવશે. આકસ્મિક સારવાર માટે 1962 પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે.
આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમ્યાન પશુપાલકોને ઘરે બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યપ્રધાનના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. આ યોજના માટે સરકારશ્રી દ્વારા રૂ. 88 કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરવામાં આવી છે.