બોટાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં પોલીસે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચેકપોસ્ટ પર ચેકિંગ શરૂ કરી દીધું છે. આચારસંહિતા લાગુ કરવામાં પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. કુલ 6 ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઢડા વિધાનસભા પેટાચૂંટણીને લઈ લગાવવામાં આવેલી આચારસંહિતાના ભાગરૂપે ગઢડા વિધાનસભા વિસ્તારના પ્રવેશમાર્ગો પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ગુજરાતની કુલ 8 બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા 106 બેઠક પર પણ કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારૂએ રાજીનામું આપતા આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થતા ગઢડા વિધાનસભા બેઠક પર આચારસંહિતા લગાવવામાં આવી છે. ટોળા એકત્રિત ન થાય તેમ જ હથિયાર બંદી પણ જાહેર કરવામાં આવી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તેમ જ પ્રચાર પ્રસાર થાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં કુલ 4 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા આવતાજતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.