આ કાર્યક્રમ બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો. બોટાદને નવો જિલ્લો બનાવ્યો હોવાથી પોલીસ તાલીમ કેન્દ્રનું બિલ્ડિંગનું નિર્માણ થઇ રહ્યું છે. આ સ્થળે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજનમાં બોટાદ જિલ્લાના કલેકટર તથા એસ.પી , ડી વાય એસ પી તેમજ બોટાદ જિલ્લાના સમગ્ર પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત બોટાદ જિલ્લાના ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, નગરપાલિકાના પ્રમુખ તથા બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અંગે બોટાદ એસપીએ જણાવ્યુ હતુ કે, પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વિવિધ મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે, ત્યારે વૃક્ષારોપણ કરવુ ખુબ જ જરૂરી છે. જેથી દરેક વ્યક્તિએ એક વૃક્ષ તો વાવવુ જોઈએ અને તેનું જતન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જે કોઈ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અગાઉ વૃક્ષારોપણ કરાયું હોય તેઓને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.