- ગઢડામાં સ્વામિનારાયણ મંદિરે દિવાળીની ઉજવણી કરાઈ
- ગોપીનાથજી મહારાજને અન્નકૂટ ધરવામાં આવ્યો
- ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મુકાયા
બોટાદ: ગઢડા એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે. ભગવાન સ્વામિનારાયણ પોતે છપૈયાથી 29 વર્ષ સુધી ગઢડામાં રહી તેને કર્મભૂમી બનાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ શિક્ષાપત્રીની રચના કરી હતી.
હરિભકતોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી
ગઢડા ગોપીનાથજી મંદિરના વહિવટી વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન મંદિરમાં અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે ગઢડા ગોપીનાથજી મહારાજને અલગ-અલગ પ્રકારની મીઠાઈ, શરબત, અથાણા, ફરસાણ, વિવિધ શાક, સુકા મેવા, વિવિધ ફ્રૂટ સહિતથી ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. તેમજ બપોરના સમયે હરિભકતો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મુકાયા હતા. ત્યારે હજારોની સંખ્યામાં હરિભકતોએ ગોપીનાથજી મહારાજના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.