બોટાદ: છેલ્લા કેટકાલ દિવસથી ગુજરાતમાં ચાલી રહેલા સાળંગપુર વિવાદ મુદ્દાનો હવે ઉકેલ આવી ગયો છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુ-સંતોની બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો હતો અને આજે વહેલી સવારે વિવાદિત ચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિવાદિત ચિત્રોને લઈને સમગ્ર ગુજરાતમાં સનાતન સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને ખુબ મોટો વિવાદ પણ થયો હતો.
સંત સમાજની બેઠક: અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુ-સંતો વચ્ચે બેઠકનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં આવી છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હજુ એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં વડતાલના સંતોએ અન્ય સ્વામિનારાયણ સંતોને વાણી-વિલાસ ન કરવાની ખાસ સૂચન કર્યું છે. આ સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો સિવાય અન્ય જે પણ વિવાદ છે તે માટે આગામી સમયમાં એક મોટી બેઠક યોજવામાં આવશે.
સીએમ સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય: સમગ્ર વિવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા શરૂઆતમાં નમતું જોખવામાં આવ્યું નહોતું. નૌતમ સ્વામી સહિતનાં કેટલાંક સંતોએ વિવાદાસ્પદ નિવેદનો કરીને મામલાને વધુ ઉગ્ર બનાવી દીધો હતો. બીજી તરફ અન્ય સંપ્રદાયના સંતો-મહંતો પણ નમતું જોખવા તૈયાર નહોતા. અમદાવાદમાં યોજાયેલી સંતોની બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેના કારણે આખો વિવાદ વધુ ઉગ્ર બની ગયો હતો. જો કે પરમ દિવસે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક દિલ્હી ગયા હતા જેના પરથી આ મામલે પીએમઓમાંથી વિવાદનો અંત લાવવાના આદેશ છુટ્યાં હોવાનું કહેવાય છે.