બોટાદઃ જિલ્લાના નરેગા યોજનાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાની શ્રમજીવી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જેમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ઓછું કામ કરેલાને વધુ વળતર આપવામાં આવ્યું છે. વધુ કામ કરેલાને ઓછું વળતર આપવામાં આવ્યું છે. સ્થળ પરના અધિકારી દ્વારા પોતાના સગા વ્હાલાઓને વધુ વળતર આપી દીધેલાની ફરિયાદ /અરજી કરવામાં આવેલ છે. આ ફરિયાદ અરજી અન્વયે ઉચ્ચકક્ષાએથી એટલે કે, કમિશ્નર ગાંધીનગર દ્વારા તપાસના આદેશ છૂટેલા છે, તેમ છતાં બોટાદના સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી અને શ્રમજીવીનો આક્ષેપ છે કે, આ સ્થાનિક અધિકારી દ્વારા જાણી જોઈને આ તપાસ અટકાવવામાં આવી રહી છે.
શ્રમજીવીએ જણાવ્યું કે, અરજી કર્યાને આશરે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં આજ દિન સુધી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઇ તપાસ કરવામાં આવી નથી અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવો પણ શ્રમજીવીએ આક્ષેપ કર્યા છે.
આ નાગલપર ગામના નરેગાના શ્રમજીવીઓની માગ છે કે, આ કામે તાત્કાલિક ભ્રષ્ટાચારી અધિકારી સામે પગલા લેવામાં આવે અને જે કોઈને વધુ વળતર મળ્યું છે. તેની પાસેથી રીકવરી કરવામાં આવે અને જેને ઓછું વળતર મળ્યું છે. તેને તેના કામ મુજબનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
આ બાબતે ડી.આર.ડી.એના અધિકારીનો સંપર્ક કરતા તમને જણાવ્યું કે, તપાસ શરુ છે અને આઠેક દિવસમાં તેનો નિર્ણય આવશે.