- ગઢડા બેઠકની પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020
- ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો ડોર ટુ ડોર પ્રચાર
- બન્ને ઉમેદવારે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
બોટાદ/ગઢડા: ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા પ્રચારકાર્ય કરવામાં આવી રહ્યું છે. બોટાદ જિલ્લાની ગઢડા બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ શહેરના મુખ્ય માર્ગો ઉપર દુકાને દુકાને જઈ લોકોને મત આપવા અપીલ કરી હતી.
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ભાજપના આત્મારામ પરમાર અને કોંગ્રેસના મોહન સોલંકીએ શહેરના મુખ્ય માર્ગો ઉપર ચાલીને દુકાને દુકાને જઈ લોકો પાસે મત માગ્યા હતા અને પોતાને જીતાડવા અપીલ કરી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેના તાલે બન્ને ઉમેદવારો પાર્ટી કાર્યકર્તાઓ સાથે પ્રચારમાં નીકળ્યા હતા. જ્યાં લોકો દ્વારા તેમને ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો. હાલ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીતના દાવા કરી રહ્યા છે. જોકે, પ્રજા કોને તારશે એ તો 10 નવેમ્બરે મત ગણતરીના દિવસે જ ખબર પડશે.