બોટાદ તાલુકાના તુરખા ગામે જમીન વિહોણા SC, ST તથા OBC સમાજના લોકોને સરકાર તરફથી જમીન ફાળવવામાં આવેલ હતી. જેના કબજા ફક્ત કાગળ પર જ છે. સ્થળ પર કબજો સોંપવામાં આવેલ નથી તેવા લોકોને જમીન મળી રહે તેમજ ઘર વિહોણા લોકોને ઘર મળી રહે તેમજ સમાજ સાથે જે અન્યાય થઇ રહ્યો છે. તેની સામે આંદોલન કરવા અને આંદોલન સમગ્ર ગુજરાતમાં પહોંચાડવા માટે જીગ્નેશ મેવાણી દ્વારા જમીન અધિકાર અભિયાન યાત્રાનો પ્રારંભ બોટાદ જિલ્લાથી કરવામાં આવ્યો હતો. આ અભિયાન યાત્રા સમગ્ર ગુજરાતમાંથી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
જીગ્નેશભાઈ મેવાણીએ જણાવે હતું કે, હાલમાં જે બિન સચિવાલય પરીક્ષા લેવાયેલ તેમાં જે ગેરરીતિ આચરવામાં આવેલ છે. તેની તપાસ આવતા વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી કરે તેવી પણ માંગણી કરેલ છે. તેમજ હાલમાં જે વિદ્યાર્થીઓ બિન સચિવાલય પરીક્ષાની ગેરરીતિનો ભોગ બનેલ છે. તેઓને પણ સમર્થન આપવાની જાહેરાત જીગ્નેશભાઈ મેવાણીએ કરેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર બોટાદ જિલ્લાના દલિત અધિકાર મંચના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.