- મૃતક છેલ્લા 6 મહિનાથી શિપયાર્ડમાં કામ કરી રહ્યો હતો
- પરિવારનાં મોભીનું મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું
- હોસ્પિટલમાં લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા
ભાવનગરઃ હાલમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડનાં પ્લોટ નં.24/Lમાં વહાણ તોડવાનું કામ ચાલી રહ્યું છે. સવારના અરસામાં વહાણ તોડવાનું કામ કરી રહેલા મૂળ તળાજાના મથાવડા ગામના વતની કેસાભાઈ જહાભાઈ સોલંકી(ઉં.વ.35) વહાણ પરથી જમીન પર પટકાઈ જતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
હોસ્પિટલ બહાર પણ લોકોનાં ટોળા ઉમટી પડ્યા
સૂત્રોનાં જણાવ્યા મુજબ, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં પ્લોટ નં.24/Lમાં મજૂરી કામ કરી રહેલા જેસભાઈ જહાભાઈ સોલંકી(ઉં.વ.35)નું આજે વહાણ પરથી નીચે પટકાયા હતા. કામ કરતી વખતે તેમની પાસે સુરક્ષા માટેના કોઈ સંસાધનો ન હોવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક જેસભાઈ તેમના ગામ મથાવડાથી મજૂરીકામ કરવા અલંગ આવ્યા હતા અને છેલ્લા 6 મહિનાથી આ જગ્યાએ કામ કરી રહ્યાં હતાં. કુટુંબમાં કમાનાર એકમાત્ર સભ્યનું આકસ્મિક મોત નિપજતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બનાવની જાણ અલંગ મરીન પોલીસને કરવામાં આવતા પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજાનાં સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો.આ અંગે તેમના સમાજનાં લોકોને ખબર પડતાં તળાજા હોસ્પિટલ બહાર પણ લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃત્યુનાં આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.