ભાવનગરને મળેલી રો રો ફેરી દોઢ વર્ષના બદલે છ વર્ષે પૂર્ણ થઇ, જે હજુ પણ ડચકા ખાઈને ચાલી રહી છે. ચેમ્બર ઑફ કોમર્સે સીએનજી પ્રોજેક્ટમાં તેવું ન થાય તેવો કટાક્ષ કર્યો છે. 1900 કરોડના પ્રોજેક્ટનું કામ ઝડપથી શરુ કરવામાં આવે જેથી કરીને લાભ મળી શકે.
ભાવનગરને રો રો ફેરીની જેમ ફરી રાજ્ય સરકારે એક 1900 કરોડનો દેશનો પ્રથમ સીએનજી સ્ટેશનનો પ્રોજેક્ટ આપ્યો છે. લંડનની કંપનીને અપાયેલા પ્રોજેક્ટ બાદ ભાવનગર ચેમ્બરે કટાક્ષ માર્યો છે કે રો રો જેવી હાલત આ પ્રોજેક્ટ થાય નહિ તેની સરકાર ખાસ કાળજી લે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સીએનજી સ્ટેશન ભાવનગર નવા બંદર પર સ્થાપવાની તૈયારી બતાવવામાં આવી છે. જો કે હાલના બંદર પર જેટીની કફોડી હાલત છે. એશિયાનો એક માત્ર લોક્ગેટ પડું પડું જેવી હાલતમાં છે. જેની મરામત માટે પણ સરકારે તસ્દી લીધી નથી. ત્યારે આવી સ્થિતિમાં સરકારે 1900 કરોડનો પ્રોજેક્ટ આપવાથી ચેમ્બર ઓફ કોમર્સમાં ખુશી તો છે પરંતુ જો રો રો પ્રોજેક્ટ જેવી હાલત થશે તો પ્રોજેક્ટ કાગળ પરનો વાઘ બની રહેશે.
જો આમ થશે તો સાચા અર્થમાં લાભદાયી નહી બને માટે ચેમ્બરની માગ છે કે પ્રોજેક્ટ આવકાર્ય છે. પરંતુ પ્રોજેક્ટ સમયસર શરુ થાય અને સુવિધા સભર બની રહે તેની કાળજી ખાસ સરકાર દ્વારા લેવામાં આવે. 1900 કરોડના પ્રોજેક્ટની જાહેરાત રાજ્ય સરકારમાંથી થઇ હોવાથી સ્થાનક નેતાઓ કે અધિકારીઓએ આ બાબતને લઈને ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પ્રોજેક્ટ સમયસર શરુ થશે કે રો રો પ્રોજેક્ટ જેમ દોઢ વર્ષના બદલે છ વર્ષે ફેરી શરુ થઇ તેમ આ પ્રોજેક્ટમાં પણ વાંધાઓ રજુ કરીને વિલંબ કરવામાં આવશે.