ભાવનગર : તલ જેને અંગ્રેજીમાં કહેવાય છે સિસમ સીડ, ત્યારે આપણે અહીંયા તલમાંથી બનતી સાનીની વાત કરવાની છે. કાઠીયાવાડમાં તલમાંથી બનતી સાની લોકપ્રિય છે. ડિસેમ્બરના પ્રારંભમાં સાનીની આવક શરૂ થઈ જાય છે. ત્રણ મહિના સુધી ભાવનગર શહેરમાં લોકો તેને આરોગવાનું ચૂકતા નથી. રોજ સાનીનો વેચાણ આંકડો જાણીને તમે ચોંકી જશો. પરંતુ સાનીની બનાવટમાં હવે ગોળની જગ્યાએ ખજૂરના વપરાશ સાથે નવી સાની બજારમાં આવી ગઈ છે. જેની જાણ કદાચ લોકોને પણ નહીં હોય, ત્યારે ચાલો જાણીએ કેવી છે આ નવી સાની
સૌરાષ્ટ્રનું કચરીયુ એટલે સાની : ભાવનગર શહેરમાં તલમાંથી બનતી સાની જેને સૌરાષ્ટ્રમાં કચરીયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિસેમ્બર માસનો પ્રારંભ થતાં જ સાની બજારમાં જોવા મળતી હોય છે. ભાવનગર શહેરમાં છેલ્લા 60 વર્ષથી તેલની સાની ગાંધી સ્મૃતિ દ્વારા બનાવવામાં આવી રહી છે. હાલમાં ભાવનગર ગાંધી સ્મૃતિ સહિતના અન્ય વ્યાપારીઓ દ્વારા તલમાંથી બનાવેલી સાની કે જેના ઉપર ગુંદર, કાજુ, બદામ, તૂટીફૂટી જેવી ચીજ વસ્તુઓ ભભરાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તલમાંથી બનતી સાની આરોગ્યવર્ધક કહેવામાં આવે છે.
શિયાળામાં જે સાની કાળી અને સફેદ તલની બને છે તે લેવા માટે આવ્યો છું. સાની અને શીંગપાક વગેરે મેં હાલમાં લીધા છે. સાનીમાં તેલનું પ્રમાણ ખૂબ સારું હોવાથી તે આરોગ્યવર્ધક હોવાનું શાસ્ત્રોમાં જણાવ્યું છે. -- ગુલાબસિંહ જાડેજા (સ્થાનિક રહીશ)
લોકપ્રિય તલની સાની : તલ કાળા અને સફેદ બે પ્રકારના હોવાથી ભાવનગર શહેરમાં બે પ્રકારની સાની જોવા મળે છે. ગાંધી સ્મૃતિમાં હજારો કિલો સાનીનું વેચાણ થાય છે. પરંતુ સાની પ્રત્યે આકર્ષાયેલા ગ્રાહક ગુલાબસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધી સ્મૃતિમાં મળતી દરેક પ્રોડક્ટ આરોગ્યપ્રદ હોય છે. શિયાળામાં જે સાની કાળી અને સફેદ તલની બને છે તે લેવા માટે આવ્યો છું. સાની અને શીંગપાક વગેરે મેં હાલમાં લીધા છે. સાનીમાં તેલનું પ્રમાણ ખૂબ સારું હોવાથી તે આરોગ્યવર્ધક હોવાનું શાસ્ત્રોમાં જણાવ્યું છે. આથી અમે દર શિયાળામાં સાની લેવાનું ચૂકતા નથી.
શિયાળામાં સાનીનું વેચાણ ધૂમ થાય છે. અમારી ક્વોલિટી સારી હોય છે. તેનું કારણ એ છે કે અમે તેલ કાઢતા નથી. 700 થી 800 કિલો સાનીનું રોજ વેચાણ થઈ જાય છે. આ વર્ષે અમે હવે નવી ખજૂરની સાની બનાવી છે, જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય છે. -- મહેબુબભાઈ સૈયદે (સંચાલક, તેલઘાણી કેન્દ્ર)
લેટેસ્ટ ખજૂરની સાની : અંગ્રેજીમાં જેને સીસમ સીડ કહેવાય છે તેવા તલ આરોગ્યપ્રદ હોવાથી લોકો તેનું સેવન કરતા હોય છે. તલથી પુરુષતત્વ વધે છે અને સ્ત્રીઓમાં સંતતિ વધતી હોવાનું કહેવાય છે. ભાવનગરમાં છેલ્લા 60 વર્ષથી ગાંધી સ્મૃતિની તેલઘાણી કેન્દ્ર ચાલી રહ્યું છે. ત્યારે તેલઘાણી કેન્દ્રના સંચાલક મહેબુબભાઈ સૈયદે જણાવ્યું હતું કે, અમારે શિયાળામાં સાનીનું વેચાણ ધૂમ થાય છે. અમારી ક્વોલિટી સારી હોય છે. તેનું કારણ એ છે કે અમે તેલ કાઢતા નથી. 700 થી 800 કિલો સાનીનું રોજ વેચાણ થઈ જાય છે. જોકે આ વર્ષે અમે હવે નવી ખજૂરની સાની બનાવી છે, જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય છે. સાનીમાં ગોળની જગ્યાએ ખજૂર નાખવામાં આવેલ છે.