રાજ્ય સરકારના આદેશના પગલે ભાવનગર મહાનગરપાલિકાએ સમગ્ર શહેરમાં આવેલી બહુમાળી ઇમારતો, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ તથા માનવ વસાહતથી ધમધમતી ઇમારતોમાં ફાયરસેફ્ટીને લઈને સઘન ચકાસણી અને ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાએ ફાયરસેફ્ટી વિહોણા અંદાજિત 150થી વધુ મિલકતોને નોટિસ ફટકારી છે. તમામને તાત્કાલીક ફાયર સેફ્ટીના સાધનો અને અગ્નિશામક સાધનો વસાવી લેવા તાકિદ કરી છે પરંતુ, આખા શહેરને સેફ્ટીના સાધનો વસાવવાની સલાહ આપનાર ભાવનગર મહાનગરપાલિકાની વહીવટી બિલ્ડિંગમાં જ ફાયર સેફટીના સાધનોનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો છે. આ પણ અધૂરું હોય તેમ ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ પાસે હાલ ભાવનગર શહેરની વસ્તી અને જરૂરિયાત સામે પહોંચી વળે તેટલા સાધનો અને મહેકમ પણ નથી.
ચાલુ નાણાકીય વર્ષમાં ભાવનગર શહેરની વસતિ અને વિસ્તારને જોતા ત્રીજુ ફાયર સ્ટેશન શરૂ કરવાની માગ મૂકાઈ હતી. જે દરખાસ્ત હજુ પણ કાગળ પર જ સીમિત રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના ક્રિકેટ વિભાગમાં સમયાંતરે કર્મચારીઓની નિવૃત્તિ બાદ આ વિભાગમાં હજી સુધી કર્મચારીઓની ભરતી જ કરવામાં આવી નથી. 13 વર્ષથી ભાવનગર મહાનગર પાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસરથી જ કામ ચલાવાય રહ્યું છે. ભાવનગર મહાનગર પાલિકા તંત્ર શહેરમાં આગની દુર્ઘટના સર્જાય તો આગને કાબૂમાં લેવા માટે સક્ષમ હોવાનો દાવો કરી રહ્યું છે પરંતુ, તરસ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી કહેવત અનુસાર ફાયરબ્રિગેડ તંત્ર પાસે ચાર માળથી વધુની ઊંચાઈવાળી સીડીથી લઇ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેવા સાધનોનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. જેેથી ભાવનગર પાલિકાની હાલત દિવા તળે જ અંધારુ જેવી છે.